લાલો ક્યાં?

સાત વરસની પૂર્વાને કનૈયો બહુ વહાલો લાગે.ઘેર રોજ મમ્મી લાલાને      નવડાવે,રમાડે,જમાડે..,લાલાની સેવા કરે..એ બધું જોવું તેને ખૂબ ગમે..મમ્મી પાસે બેઠી બેઠી પોતે લાલને સંભળાવવા હોંશથી નાનકડી ઘંટડી વગાડે..નાનકડું ઘર મંદિર તેની પ્રિય જગ્યા હતી.
 જો કે આમ તો પૂર્વા બહુ ચંચળ છોકરી હતી.મૂંગુ બેસી રહેવું તેને જરાયે ન ગમે…ન ફાવે…જાતજાતના પ્રશ્નોથી તેનું બાળમાનસ ઉભરાતું.પણ કનૈયો તેને બહુ ગમે.તેથી મમ્મી પૂજા કરે એટલીવાર ચૂપચાપ બેસી રહે.નહીતર મમ્મી પાછી ત્યાંથી ભગાડી દે..અને તે પ્રશ્નો પૂછે તો પણ મમ્મી જવાબ આપવાની તકલીફ લે જ નહીં ને !

આજે જન્માષ્ટમી હતી.નંદલાલાનો જન્મદિવસ ! લોકોનો ઉત્સાહ છલકાતો હતો.વાતાવરણ કનૈયામય થઇ ગયું હતું.શહેર આખું રંગીન ધજા પતાકાથી શોભી ઉઠયું હતું અને આજે મંદિરોની શોભાનું તો પૂછવાનું જ ન હોય ને? હતું.હમેશની જેમ ભારે દબદબાથી મંદિરો શણગારાઇ રહ્યા હતા. દરેક જગ્યાએ લાલાને નવા વસ્ત્રો,જરિયન વાઘા અને સોના ચાન્દીના આભૂષણોથી શણગારાઇ રહ્યો હતો. સાજ સજાવટથી વધારે ને વધારે ભક્તોને આકર્ષવાની જાણે સ્પર્ધા ચાલી રહી હતી.કઇ જગ્યાએ વધુ સરસ શણગાર છે તેની લોકોમાં પણ ચર્ચા હતી.મંદિરની શોભા અનન્ય હતી.લાઇટોના ઝાકઝમાળથી જોનારની આંખો અંજાઇ જતી હતી.ચારે તરફ માઇક શોર મચાવી રહ્યા હતા.

પૂર્વા પણ આજે સવારથી ઉત્સાહથી થનગની રહી હતી.”મમ્મી,આજે કનૈયાનો હેપી બર્થ ડે છે ને?”અને તે મંદિરમાં જવાની આતુરતાથી રાહ જોઇ રહી હતી.એ ઉત્સાહમાં રાત્રે બાર વાગવાની આતુરતાથી પ્રતીક્ષા કરી રહી.આજે તેને તેના વહાલા કનૈયાને ‘વીશ’ કરવા જવાનું હતું..અને બરાબર બાર ને ટકોરે વાતાવરણ ગૂંજી ઉઠયું..નંદ ભયો…નંદ ભયો ..હાથી ઘોડા પાલખી..જય કનૈયાલાલકી” ના નારાથી મંદિર અને વાતાવરણ ગૂંજી ઉઠયું.ચારે તરફ અબીલ ગુલાલની છોળો ઉડી રહી. હતી.

મમ્મીનો હાથ પકડી ઉભેલી 6 વરસની પૂર્વા ઉંચી થઇ થઇ ને આતુરતાથી કનૈયાને જોવા મથી રહી હતી.તે અચાનક બોલી ઉઠી,”મમ્મી,કનૈયો કયાં?આ તો તેના કપડા અને દાગીના જ દેખાય છે.મને તો લાલો જોવો છે..એ તો નથી દેખાતો.કાનુડાનો હેપી બર્થ ડે છે ને?મને એ બતાવને….”

મમ્મીને આ છોકરીના મૂરખા જેવા પ્રશ્નનો શું જવાબ આપવો તે સમજાયું નહીં.

 ત્યાં નાનકડી પૂર્વાના કાનમાં જાણે કોઇ ગણગણતું હતું,”હું આ રહ્યો અહીં..બહાર તારી પાસે..મને યે બધાએ મંદિરમાંથી કાઢી મૂકયો છે.અંદર તો મારા કપડા..અને શણગાર છે..હું તો આ ઉભો. કોઇની રાહ જોતો.!!!”

                                                                               નીલમ દોશી.

6 Comments

  1. 1
    vijayshah Says:

    સરસ લઘુ કથા

  2. 2
    સુરેશ જાની Says:

    બહુ જ સરસ ભાવ છે. ટાગોરનું એક લખાણ યાદ આવી ગયું.
    રથ કહે છે ‘હું દેવ છું .’; પથ કહે છે ‘હું દેવ છું .’; મૂર્તિ કહે છે ‘હું દેવ છું .’
    ……….અને અંતર્યામી હસે છે.

  3. 3
    Arun Pandit Says:

    Good one.

  4. 4

    panditaji, thanks

  5. 5
    shivshiva Says:

    કનૈયાને પણ ગુગળામણ થઈ હશે ખરુંને?

  6. 6
    puja Says:

    too true…..esp in todays world


RSS Feed for this entry

Leave a Comment