આજની ખાટી મીઠી… February 10, 2007
પ્રેમ નો આરંભ પ્રચંડ ધોધની જેમ થાય છે.અને અંત ગળતા નળની જેમ.
લતાબેન ના નવજાત પૌત્રનો દાદીમાને વહાલભર્યો આ પત્ર..આપ સૌને માણવો ગમશે.આજથી આ બ્લોગ અમારો ..એટલે કે મારો અને લતા હિરાણી નો સહિયારો ..સંયુકત બને છે.અમારી મૈત્રી માટે અમે બને હમેશા ગૌરવ અનુભવીએ છીએ..
વહાલા દાદીમા 19 એપ્રિલ 2006
હું તમારા રુપિયાનું વ્યાજ. તમારા પ્રથમ વૃક્ષની પ્રથમ ડાળનું પ્રથમ પુષ્પ….અને આ મારો પ્રથમ પત્ર મારા દાદીમા અને દાદાજી માટે….. દાદીમા તમને લખવું ગમે છે એમ મને પણ લખવું ગમે છે.
દાદીમા, તમે અહીં સ્કોટલેંડ મારા માટે આવ્યા. હું આ દુનિયામાં પ્રવેશું ત્યારે તમારો મીઠો હાથ મારા પર ફરે અને મારા મમ્મી પપ્પાને હુંફ મળે એ માટે તમે અહીં રોકાયા. એ સમય દરમિયાન દાદાજીને તમારા વગર ઘણી તકલીફ પડી હશે.. પણ એમણે ચલાવી લીધું મારે ખાતર ! હું તમને બહુ વહાલો છું નહીં !!!
મારા જન્મની ઘડીઓ ગણાઇ રહી હતી અને મારી મમ્મીથી પીડા સહન નહોતી થતી ત્યારે તમારી આંખો છલકાઇ જતી હતી એ પપ્પાએ મને કહ્યું…. મારા જન્મ પછી મને જોઇને ખુશીથી તમારી આંખો છલકાઇ ગઇ એ મેં પોતે જોયું. દાદીમા આ પૃથ્વી પર આપણે પહેલી વાર મળતા હતા તો યે તમને કેટલું બધું વ્હાલ !! તમને એ દિવસ યાદ આવતો હશે જ્યારે મારા પપ્પાનો જન્મ થયો !!
ભારતથી દૂર છેક સ્કોટલેંડના એડિનબરો જેવા શહેરની હોસ્પિટલમાં, જ્યારે આજુબાજુની બધી ગોરી મોમ્સને જમવામાં એના પાર્ટનરની લાવેલી બ્રેડ મળતી હતી ત્યારે મારી મમ્મી તમારો બનાવેલો ગરમ ગરમ શીરો ખાતી હતી..અને જમ્યા પછી વાવડીંગ નાખીને ઉકાળેલું પાકું પાણી તથા શેકેલા અજમાનો મુખવાસ… એ મમ્મી રોજ યાદ કરે છે. જો કે તમે જરા ઘી વધારે નાખતા હતા એવું એ કહે છે પણ સાથે સાથે એ ય કહે છે કે આપણા વડવાઓએ સદીઓથી જે પરંપરાઓ સ્થાપિત કરી છે એ અનુભવનું અમૃત છે. એટલે મમ્મી તમારી બધી વાત માનતી હતી. નાનીમાએ મોકલેલા કેટલાય વસાણાં, ભાવે કે ન ભાવે, મમ્મી ખાઇ લેતી હતી..
હોસ્પિટલમાંથી મને ઘરે લઇ જવાનો હતો. મને બાસ્કેટમાં મુકીને કાર સીટમાં ગોઠવવાની વાત તમને જરાય નહોતી ગમતી, પણ શું થાય ? આ દેશના કાયદા પ્રમાણે બાળકને ખોળામાં લઇને કારમાં ન બેસાય. પપ્પાની વાત સાચી છે. કાયદાનો ભંગ ન કરાય. અને તમારી લાગણી પણ કેટલી સાચી કે આટલા નાના વહાલા બાળકને સામાનની જેમ ઓછું લઇ જવાય ? તમે રસ્તો કાઢ્યો. કારમાંથી ઉતરતાંવેંત તમે કારસીટમાંથી મને તેડી લીધો. બાસ્કેટ ફંગોળી દીધી. ઠંડી પુષ્કળ હતી પણ ઝૂલો બનીને વીંટળાયેલા તમારા બે હાથની ઉષ્મા અને તમારા હૈયાની હુંફ અનુભવતો હું ઘરમાં પ્રવેશ્યો.
મેં તો મારું ઘર પહેલીવાર જોયું. ઉંબરે સ્વસ્તિક અને દરવાજે ફુગ્ગાઓ લગાવવાથી માંડીને તમે અને માસીમાએ ઘરને કેવું મજાનું શણગાર્યું હતું !! સ્કોટલેંડમાં એ સમયે ફૂલોની મોસમ પૂરબહારમાં ખીલેલી હતી. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં ફૂલોનો દરિયો !! અને તમે એ ઘરમાં વહાવી દીધો હતો ત્યારે મને ખબર પડી કે તમને ફૂલો કેટલાં ગમે છેનો !! દાદીમા હું દરેક સમરમાં તમારી રાહ જોઇશ !! એક વાત પુછું દાદીમા ? દાદાજી તમારા માટે ફૂલો લાવે છે ખરા ??
લતા હિરાણી