પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી… February 8, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

જયારે બીજાને કંઇ થાય અને તમે હસો એ હાસ્યવૃતિ કહેવાય..અને જયારે તમને થાય અને બીજાઓ હસે તેને અવિનય !!!

 

કરૂણ રસનો પોકાર.. February 8, 2007

આમ તો હું વરસોથી કાવ્યો લખુ છું…અને ખુબ સરસ…હ્રદયસ્પર્શી કાવ્યો લખુ છું…એ મારો નમ્ર મત છે.બીજા કોઇનો હોય કે નહીં…પણ આ મારી અંગત માન્યતા છે..જેને હું સુધારવા નથી માગતી…મારા વિષે કે મારા કાવ્યો વિષે બીજું કોઇ આવું ન માની શકે કે ન સ્વીકારી શકે તેમાં મારો કોઇ વાંક નથી..એ એમની ખામી ..એમના નશીબ…એમાં હું શું કરી શકું? જોકે બની શકે કે એ મહાન કાવ્યો હજુ આપ કોઇ સુધી પહોચી શકયા ન હોય…જેથી આપને એનું મૂલ્યાંકન કરવાનો અમૂલ્ય લહાવો ન મળ્યો હોય.કેમકે હજુ સુધી કોઇ મેગેઝીન કે કોઇ કચરા જેવા છાપા સુધી યે મારા એ મહાન કાવ્યો પહોચી શકયા નથી.કેમકે એના તંત્રીઓ એ કાવ્યો સમજી કે માણી શકે તેવા સક્ષમ નથી.પણ એ યે મારો વાંક તો નથી જ.

હું એથી બહું ખુશ છું.કેમકે મને ખબર છે..આપણા દેશમાં આપણી કોઇ મહાન વ્યક્તિઓની કદર થઇ જ નથી.પહેલાં વિદેશની ધરતી પર એની પહેચાન થઇ છે અને પછી જ આપણને કહેવામાં આવ્યું કે તમારા દેશની આ વ્યક્તિ આટલી મહાન છે.અને ત્યારે જ આપણે સફાળા જાગ્યા છીએ.ઇતિહાસ આવા અનેક ઉદાહરણોથી ભરપૂર છે.એની તો કોઇ ના પાડી શકે તેમ નથી.તેથી અહીં મારા કાવ્યો કોઇ સમજી નથી શકતા અને સાભાર પરત કર્યે રાખે છે એથી હું સ્વાભાવિક રીતે જ બહું ખુશ છું…બસ….હવે કોઇ માઇ નો લાલ જાગે અને મારા કાવ્યની કદર કરે એટલી જ વાર છે.અને પછી …..પછી તો મેરા ભારત મહાન છે જ…

આ તો જોકે આડવાત થઇ.હકીકતે મને યે મારા કાવ્યોની ખામી ની….એક મહાન ખામી ની ખબર છે.અને એનો આજે હું જાહેરમાં સ્વીકાર કરતાં યે અચકાઇશ નહીં.આજે મને અચાનક ખ્યાલ આવ્યો કે મારા કાવ્યો માં શું ખૂટે છે….

યસ..મારા કાવ્યોમાં ખૂટે છે…..કરૂણ રસ…..હમણાં જ મેં એક જગ્યાએ આ વાંચ્યું…કે..”કાવ્યો કે ગીત કે ગઝલ શાહી થી નહીં લોહી થી લખાય અને તો જ મહાન કાવ્યોનું …યાદગાર કાવ્યોનું સર્જન થઇ શકે.અને મેં તો તરત હાથમાં એક નાજુક મજાનો નમણો..નાનકડો ચીરો પાડયો…(કાવ્યો માટે તો હું ગમે તે કરી શકું..મારા કાવ્ય પ્રેમ માટે હું કુરબાન થઇ શકું..એક કાપાની શી વિસાત ?)અને એ ચીરામાંથી લાલ ચટક રંગનું ધગધગતું લોહી…નસોમાં વહેતું ઉષ્ણ….જીવંતં લોહી …બહાર ધસી આવ્યું…હું આનંદભરી આંખે એની સામે જોઇ રહી…હવે આ લોહીમાંથી સર્જાશે અદભૂત કાવ્યો…. જે મને મહાન કવિઓની હરોળમાં મૂકી નોબેલ પ્રાઇઝ સુધી પહોચાડશે…એનો મને વિશ્વાસ છે.પરમ વિશ્વાસ….અને વિશ્વાસથી મોટી બીજી કોઇ વાત છે?તમે જ ભલા કહો..

હા,તો ગરમગરમ લોહીમાં પેન ઝબોળી…મેં કાવ્ય લખવાની મહાન શરૂઆત કરી…પણ થયું એવું કે મારે લખવાનું હતું એક દીર્ઘ કાવ્ય…અને એટલું લોહી એ માટે પૂરતું નહોતું…પણ વાંધો નહીં..કાવ્ય માટે તો હું ગમે તે કરી શકું..મારા શરીરનું એક એક ટીપુ..કતરા કતરા લોહી..અંતિમ શ્વાસ સુધી નું લોહી હું બહાવી દઇશ…(કોઇ ફિલ્મી ડાયલોગ લાગે છે ને?મને યે લાગે છે…ફિલ્મોની અસર વિષે ભવિષ્યમાં હું એક સરસ મજાનો લેખ લખવાની જ છું…)

હા,તો હું તો વધારે લોહી કાઢવાના વિચાર માં જ હતી…પણ ત્યાં અચાનક મારા મગજમાં ઝળહળતી ટયુબલાઇટ થઇ.અને મારું મગજ રોશની થી પ્રકાશિત થઇ ગયું….કે,”અરે,હું યે કેવી મૂરખ જેવી વાતો વિચારું છું..(નો કોમેન્ટ પ્લીઝ હો…)અરે,મારે કાવ્યનો લક્ષ્યાર્થ લેવો જોઇએ…વાચ્યાર્થ નહીં…અર્થાત…લોહી થી કાવ્યો લખાવા જોઇએ મતલબે…સાચું લોહી ન કાઢવાનું હોય….લોહી નીકળે તેવી વેદના થી લખાવા જોઇએ,દિલમાં પરમ વેદના અનુભવાવી જોઇએ,સ્વયંસ્ફૂરિત વેદના માંથી…એ વેદના ના ગહન અંધકારમાં થી આત્માને અજવાળતું કાવ્ય નીપજે અને તો જ મહાન કૃતિ બની શકે અને સાહિત્ય જગતમાં માં ઉથલપાથલ મચી જાય અને વિશ્વમાં એક મહાન હસ્તીની નોંધ લેવાય.

અને પછી તો મને એ પણ યાદ આવ્યુ કે શ્રી ટાગોરના જીવન માં ઇશ્વરે કેટકેટલી કરૂણતા ભરી હતી..જેને લીધે એ આટલા મહાન કવિ બની શકયા..!!અને પછી તો આવા અનેક ઉદાહરણોથી મારું મન ઝળહળ ઝળહળ થઇ ગયું….

અને મને મારી પરમ નિષ્ફળતાના સાચા કારણની હવે ખબર પડી ગઇ.મને સમજાઇ ગયું કે આમાં મારો જરાયે વાંક નથી.બધો વાંક ઓલા ઉપરવાળાનો જ છે..જેણે મને જીવનના આવા મહાન રસ…કરૂણ રસથી વંચિત રાખી છે.હું મહાન કૃતિઓનું સર્જન ન કરી શકું માટે એણે જ મારી સાથે અન્યાય કર્યો છે.હવે ઇશ્વ્રર સાથે લડવા યે કેમ જાવું?હવે મારે આ કરૂણ રસની શોધ કરવા કયાં જાવું?

અને મેં માર અંત:સ્તલની અંદર ઉંડે ઉંડે શોધ આદરી.કેમકે મેં કયાંક વાંચ્યું હતું કે જે બહારથી કયાં ય ન મળે ત્યારે અંદર શોધ આદરવી…એ તમારી અંદર જ કયાંક બિરાજમાન હશે.તો આ કરૂણ રસની શોધમાં મને સૌ પ્રથમ કરૂણતા યાદ આવી કે અત્યાર સુધીમાં મેં જેટલા કાવ્યો અનેક તંત્રીઓને મોકલ્યા છે..એ બધા સાભાર પરત આવ્યા છે…તો એ શું કરૂણતા ન કહેવાય?(પણ આને કરૂણતા કહી શકાતી હોય તો પણ આ કરૂણ રસથી હું એટલી બધી છલકાઇ ગયેલ છું..કે એની મને આદત પડી ગઇ હોવાથી એની કરૂણતા મને સ્પર્શી શકતી નથી..)
પણ પછી મને થયું..ના,ના, આ કંઇ મારીએ કરૂણતા નથી…એ તો તંત્રીઓની કરૂણતા છે કે એ લોકો મારા જેવી મહાન કવિને(?) સમજી નથી શકતા…બાકી એની સાથે મારે કોઇ લેવા દેવા નહીં….એટલે એ કરૂણતા તો ગઇ…હવે?

અને હવે તો હું બમણા ઝ્નૂનથી કરૂણરસની શોધમાં ડૂબી ગઇ.કેમકે હમણાં જ મેં પાછું કયાંક વાંચી લીધું….

”ના દેખાયું તેજ અંબારે, જોયું મેં ઘન અંધારે…’

કે પછી…

”એક તિનકેને કિસી તૂફાનકે સાથ ઉડકર જબ લિયા આકાશ છૂ…..”


અરે,,નશીબ,….!!! એક તિનકાને યે ઉડવા માટે તોફાન મળી રહે છે….અને મને એક મહાન હેતુ માટે એક કરૂણ રસની ખોટ?ઇશ્વર આવો હળાહળ અન્યાય?આવો પક્ષપાત?એક તિનકાથી યે હું ગઇ?
હવે?હવે કરવું શું?કરૂણરસ શોધવો કેમ મારે?મારા છોકરાઓ બને અમેરિકામાં જલસા કરે છે…પતિદેવ તરફથી કોઇ પ્રોબ્લેમ નથી…એટલીસ્ટ મને તો નથી જ..બાકી એની એને ખબર…!!! એ તો જેવા જેના નશીબ…સગા સંબંધીઓ મિત્રો… બધાનો ભરપૂર પ્રેમ મળ્યો છે….પૈસાનો કોઇ પ્રોબ્લેમ નથી…સ્ત્રી સ્વંતત્રતાનો નારો લગાવી ને યે દુ:ખી થઇ શકું તેમ નથી..કેમકે એ યે પૂરેપૂરી મળી છે..

હવે..?ઇશ્વરે જીવનની આવી મહાન વસ્તુથી મને વંચિત રાખી?આવું કાવતરું?મને મહાન કવિ ન બનવા દેવાનું?અરે,નોબેલ પ્રાઇઝની મને ખેવના નથી…નરસિહ મહેતા એવોર્ડ પણ ભલે કવિશ્રી રાજેન્દ્ર શુકલ લઇ જતા….હું તો કોઇ નાના મોટા એવોર્ડથી યે કામ ચલાવી લેત…ગાડું ગબડાવી લેત…આમે ય હું રહ્યો સંતોષી જીવ…..પણ એનો અર્થ હે ભગવાન સાવ આવો?સાવ આવો અન્યાય?હું તારી ભકત અને દીવા નીચે જ અંધારું?ભકતની આવી કસોટી?વેદનાની એક ઝાંખીથી યે મને તેં વંચિત રાખી?

હવે મારે મહાન કવિ બનવું(કવિ તો બની શકું તેમ નથી…કવિયત્રી….)કેમ?વેદનાની શાહી માં ઝબોળી ઝબોળી ને મહાન કાવ્યનું સર્જન કરવાથી શું હું હમેશા દૂર જ રહીશ?જગતને એક મહાન કવિયત્રીથી વંચિત રહેવું પડશે?મને તો ઠીક…પણ આમ કરીને તેં સમગ્ર વિશ્વને અન્યાય કર્યો છે…….
અને હું પરમ વેદનામાં..વેદનાના વલોપાતમાં ડૂબી ગઇ.કરૂણરસના અગાધ મહાસાગરમાં તરવા લાગી….વેદના ન હોવાની વેદના….દુ:ખ ન હોવાના પરમ દુ:ખની ગર્તામાં હું ધકેલાઇ ગઇ.અને અચાનક આકાશમાં વીજળી નો ચમકાર થાય તેમ મને યે બ્રહ્જ્ઞાન લાધ્યું…

ઓહ.!!! ઇશ્વરે આ જ કરૂણરસ મારા માટે રાખ્યો હતો…વેદના ન હોવાની વેદના….!!! હું મૂરખ તેની લીલા સમજી ન શકી….!!!!અને કરૂણ રસમાં તરબોળ થઇ ને..હું મહાન કાવ્યનું સર્જન કરવા બેસી ગઇ…ના,ના,,,કાવ્યો,,શબ્દો મારા અંતરમાંથી ધાણી ની જેમ ફૂટવા લાગ્યા….અને અનાયાસે વિશ્વની સર્વશ્રેષ્ઠ કૃતિનું સર્જન મારાથી થઇ ગયું છે…..બસ…જરા ધીરજ ધરો….તમારા સુધી એ પહોચશે ત્યારે તમે યે મારા એ કરૂણરસમાં ડૂબી ને કે તરીને(તરતા આવડતું હશે તમને તો તરી ને…) આનંદથી છલકાઇ જશો…બસ…એ દિવસની પ્રતીક્ષા કરો…ત્યાં સુધી…તમારા ગુજરાતના એ મહાન સર્જકનું સ્વાગત કરવાની જોરદાર તૈયારીઓ શરૂ કરી દેવા મારી આપ સૌને નમ્ર વિનંતિ છે.

                                                            નીલમ દોશી.