પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. February 5, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 10:58 am

લોકતંત્ર વો પ્રણાલિ હૈ..જિનમેં દુનિયાભરકે બકરે મિલકર અપને કસાઇ કો ચુનતે હૈં

                                                         રાજન માલવી.

 

અનોખુ સદાવ્રત…. February 5, 2007

પેટ કરાવે વેઠ….કે પછી ભુખ્યે પેટે ભજન ન થાય..કે પછી” બુભુક્ષિત: નર: કિં ન કરોતિ પાપમ્?”આ બધી ઉકિતઓ કેટલી સાર્થક છે..એ તો અનુભવે જ સમજાય. અને અમારા નશીબમાં યે(ઘણીવાર સદનશીબ કહેવું કે કમનશીબ…એ નક્કી કરવું અઘરૂ થઇ પડે છે..)આવો અનુભવ વિધાતા એ લખ્યો હશે એથી એનો અનુભવ અમને તાજેતરમાં થઇ ગયો.

જયારે ચાર કલાકથી ભૂખે ટળવળતા..અમે ભજનની…સોરી .. ભોજનની રાહ ચાતકની જેમ જોઇ રહ્યા હતા..ભૂખ કોઇની સગી થોડી થાય છે?પેટમાં શિયાળિયા.બિલાડા…ઉંદરડા કે ગલુડિયા..જે કહો તે .. બધા સાથે બોલી રહ્યા હતા..!! અંદરથી લાવ લાવ નો કરૂણ પોકાર ટીટોડી ના બચ્ચાની જેમ ઉઠી રહ્યો હતો..અને અમે લાચાર..નિસહાય બની અમારી આસપાસ..ચોપાસ કરૂણાસભર આંખો ફેરવી રહ્યા હતા…!! કે કોઇના દિલમાં રામ (કે કોઇ પણ ભગવાન…માતાજી..બધા ચાલશે..)વસે છે?અને અમારા જેવા બીજા લગભગ 200 માણસોની આ જ દશા હતી..અરે,કોઇ માઇ નો લાલ નહી આવે?આ ભૂખ્યા જનો નો જઠરાગ્નિ ઠારવા? અરે,ભાઇ,જલ્દી કરો..નહીંતર અમારી હાય લાગશે ને તો “ખંડેરની ભસ્મકણી યે ન લાધશે…”

અને અંતે નરસિહ મહેતાની હૂંડી જેમ શામળિયાએ સ્વીકારી હતી…તેમ અમારી અરજી પણ આખરે કોઇએ સ્વીકારી….હોય તેમ વેશપલટો કરી જાણે શામળિયો પધાર્યો હોય તેમ એક ભાઇ આવી ને અમને બહુ પ્રેમપૂર્વક આમંત્રણ આપી ગયા..કે તમને બધાને જે પાસ આપવામાં આવ્યા હતા..તે ભોજન ના પાસ છે….!!! (અરે,બાપલિયા…મારા વાલીડા, પહેલેથી કેવું’તુ ને?અમે તો એને બીજા જ કોઇ પાસ સમજયા હતા…!!!)ખેર! અંતે અમને સૌને કહેવામાં આવ્યું..આગ્રહભરી વિનંતિ કરવામાં આવી કે સામે સદાવ્રતનું કાઉન્ટર ખોલવામાં આવ્યું છે…તો અમારે સૌએ પોતપોતાના (બીજાના કે પડોશીના નહીં…..)પાસ લ ઇ ત્યાં ભોજન ગ્રહણ કરવા પહોચી જવું(અને અમારે આ ભોજન હાથમાં જ ગ્રહણ કરવાનું હતું હોં…ત્યાં ને ત્યાં અઠે દ્વારકા કરીને જમાવી નહોતુ દેવાનું) અને હુ…ડુ..ડુ…. કરતું અમારું બસો જણાનું ભૂખ્યુ ટોળુ જમવાનું કદી દીઠુ ન હોય તેમ ઉપડયું….

પણ અમને બધાને લાઇનમાં ઉભવું પડયું..હાથમાં પાસ તૈયાર રાખી ને…મફતનું ખાવું હોય તો લાઇન તો લગાવવી જ પડે ને….!!! (જોકે આને મફતનું કહેવાય કે નહીં એ વાચકો ઉપર..અર્થાત્ તમારા પર છોડુ છું.આમેય મને તમારા બધા માટે બહું લાગણી હોં!!!)અને આમ તો અમે રહ્યા મોટા…એટલે જાડા પાડા…એવો અર્થ નહીં કાઢવાનો હોં….મોટી…એટલે સારા ઘરના…..સારા ઘરના માણસો હોં .(સારા એટલે પાચા અહીં ખાતા પીતા ઘરના..એમ સમજવાનું હોં)એટલે હાથમાં પાસ લઇને ઉભવાનો બહુ અનુભવ નહીં…આ તો વખાના માર્યા…સંજોગોને આધીન…..!!! આખરે માણસ સંજોગોનો જ ગુલામ છે ને?

હા,,,,તો શું કહેતી’ તી હું?હં તો અમે રહ્યા સારા ઘરના માણસો….!! એટલે કંઇ બોલ્યા સિવાય ચૂપચાપ ધક્કામુક્કી કર્યા સિવાય લાઇનમાં ..અમારા વારાની રાહ જોતા શિસ્તબધ્ધરીતે ઉભા રહી ગયા…..અને દરેક પ્રતીક્ષાનો એક અંત હોય છે…તેમ આખરે અમારી પ્રતીક્ષાનો યે અંત આવ્યો ખરો…..

અને અમારો વારો આવ્યો…”ભિક્ષાન દેહિ” કરતા અમે હાથ લંબાવ્યો…અને અમારા હાથમાંસરસ મજાનું રેપર કરેલ…ફુડપેકેટે અવતરણ કર્યું…જેમ ગંગાજીનું ધરતી પર અવતરણ થયું હતું ને ભગવાન શંકરે તેને ઝીલી હતી…તેમ આ ફુડપેકેટને અમારા ધન્ય હાથોએ ઝીલ્યું….

અને અમે તો તૂટી પડયા એની ઉપર…જલ્દી જલ્દી પેકેટ ખોલ્યું…પણ હજી તો બીજા યે કોઠા પાર કરવાના બાકી હતા….!!

બોક્ષની અંદરના શકોરાને યે પાછા સફેદ જરીવાળા રેપરથી સજાવેલ..અને તેથી હજુ તો તેનું આવરણ…વસ્ત્રાહરણ અમારે કરવાનું બાકી હતું…ખેર!!! અમે ડરતા ડરતા એનું વસ્ત્રાહરણ શરૂ કર્યું..(ડરતા ડરતા એટલા માટે કે વળી અહીં યે કોઇ દ્રૌપદીની જેમ એના ચિર પૂરાઆઅવા તો નહીં આવી જાય ને?તો વળી 999 ચિર દૂર કરવા અમારા બસની વાત નહોતી…)સદનશીબે કોઇ ચિર પૂરવા તો આવ્યું નહીં પણ એ ચિર અમારા શકોરાને એવા તો વળગેલ હતા…કે માંડ માંડ એને અમે શકોરાના પ્રેમથી છૂટા પાડયા…પણ કદાચ એને એ મંજૂર નહોતું..તેથી જેવા એના ચિર દૂર કર્યાકે એના વિરોધમાં શકોરાની અંદર રહેલ..તેલમાં તરતા મોટા ચણા એટલે કે છોલે…ગબડીને અમારા કપડા ઉપર સરકી ગયા…અને પોતાના અસ્તિત્વની લાલ પીળી અમિટ છાપ કપડા ઉપર છોડતા ગયા….અને અમે એ વેરાયેલા ચણા સામે અને અમારા લાલ પીળા કપડા સામે દયામણી નજરે જોતા રહ્યા..

પછી હિમત કરીને બીજા શકોરા તરફ(દેનારે ફુડ પેકેટમાં સમજીને ઓલ્ટરનેટ વ્યવસ્થા રાખી હતી…)આશાભરી નજર કરી…અને અમને મળેલ સફેદ પ્લાસ્ટીકની નાનકડી ચમચી બીજા શકોરા તરફ આગળ વધારી…પણ કદાચ એ ચમચીને શકોરા તરફ પ્રેમ ઉભરાઇ આવ્યો હશે તેથી તેને ઉતાવલ આવી ગઇ હોય તેમ અચાનક તેની ગતિ વધી ગઇ…જે પેલા શકોરામાં રહેલ…ગ્રેવીમાં તરતા પનીરના ટુકડાથી સહન ન થઇ…આ તે કેવી અસભ્યતા…!!!આવી ઉતાવળ…?અને તેણે માર્યો ચમચીને જોરદાર ધક્કો…અને ચમચી એ વળી કયાં ઓછી હતી?તેણે માર્યો પનીરને ધક્કો..અને આમ ધક્કમુક્કીમાં અંતે પનીર હાર્યું ને ચમચી જીતી..(ચમચા…ચમચીના  જ જીતવાનો આ જમાનો છે ભાઇ…)ને ઉછળીને મારી પર નહીં…(અમે તો આમેય રંગાયેલ જ હતા…રંગાયેલને રંગવાની મજા ન આવે એ સ્વાભાવિક જ છે ને?)પરંતુ એ પનીરે સીધા બાજુવાળા બહેનની સાડી પર આરોહણ કર્યું..કદાચ એને એ સાડી પસંદ આવી ગઇ હોય કે પછી સાડી પહેરનાર બહેન…..!!!એ બહેને રાતા પીળા થઇ ને અમારી સામે જોયું..તેની વેધક નજર અમારાથીએ સહન ન થઇ અને અમે જલ્દીથી…રોકેટ ગતિથી તેની તરફ “થેંકયુ” ફેંકયું…અને ટીસ્યુથી (સદાવવ્રત ની મહેરબાનીથી)તેની સાદે સાફ કરવા લાગી ગયા…પણ તે સન્માનનીય બહેન ને પસંદ ન આવ્યું..અને તે મૌન રહી ને ગુસ્સાથી ધમધમતા બાથરૂમ તરફ દોડી ગયા…

ફાયદો ખાલી એટલો થયો કે અમારા બધા પર “સારા ઘર”નું લેબલ લાગેલ હતું…!!! એટલે ફાવે તેમ ઝગડાય તો નહીં..!!!બાકી બીજી કોઇ જગ્યાએ આ થયું હોત ને તો…અમારી શું દશા થાત?અને શું શું સાંભળવું પડત?એ કલ્પના માત્ર અમને ધ્રૂજાવી ગઇ…! ખેર..! હવે?હવે હાથમાં રહી હતી..બે –ચાર પૂરીઓ…પણ એ એકલી ખાવી કે નહીં…એનો નિર્ણય અમે લ ઇએ….(કે નિર્ણય લેવા માટે સરકારની જેમે કમિટિ રચીએ તે પહેલા)ત્યાં જ અમને કહેવામાં આવ્યું કે અમારે જલ્દી ભાગવાનું છે……

કયાં?કયાં શું?અરે,ભાઇ અમે કંઇ એરપોર્ટ પર બેસવા કે રહેવા નહોતા આવ્યા…કોલકત્તાથીઅમદાવાદની ચાર કલાક ડીલે થયેલ ફલાઇટનો આખરે ઉપડવાનો સમય થઇ ગયો હતો..ને અમારે બધું પડતું મૂકી સીકયોરીટી ચેકમાં ભુખ્યા પેટે દોડવું પડયું….

પેલા સદાવ્રતના પાસ નો મલ્ટીપલ ઉપયોગ હતો..હવે તે અમારા બોર્ડીંગ પાસ બની ગયા હતા..જેનો અમારે પ્લેનમાં અન્દર જવા માટે ઉપયોગ કરવાનો હતો…!!!!
જમવાનું આપી દીધું હોવાથી હવે અમને અંદર ખાલી ચોકલેટ…બિસ્કીટ જ મળવાના હતા…!!!!!
અને ખાસ..વાત…પેલા બેનનો સીટ નંબર અમારી બાજુમાં જ આવ્યો હતો…!!!!!..બસ…મૌન…..
(તાજેતરમાં થયેલ જાત અનુભવ પરથી…)

                                                                              નીલમ દોશી