માણસ ઘરથી થાકે ત્યારે ફરવા જાય અને ફરીને થાકે એટલે ઘેર જાય…ઘરથી કંટાળે એટલે પ્રવાસે જાય અને પ્રવાસથી થોડા દિવસમાં કંટાળી..”ધરતીનો છેડો ઘર……”.હાશ!!!કરીને ઘેર આવે…ટૂંકમાં માનવમન જ ભગવાને એવું વિચિત્ર બનાવ્યું છે..(આપણે દોષનો બધો ટોપલો ભગવાન પર જ ઢોળી દેવો…આમે ય ગીતામાં ભગવાને ખુદે જ કહ્યું છે ને કે તારા કર્મ મને…ઇશ્વરને સમર્પિત કર…)હા,,,,તો હું કહેતી હતી કે માનવમન એવું વિચિત્ર છે કે જે ન હોય તે જ ગમે અને જયાં ન હોઇએ એ જ સારું લાગે…અને જેવા ત્યાં પહોચીએ એટલે તરત ગાડી રીવર્સમાં ભાગે…..
પ્રેમી પ્રેમિકાને પામવા આકાશપાતાળ એક કરે…બધું યે હરખથી હોંશે હોંશે સહન કરે…ને જેવા લગન થઇ જાય…એટલે થોડા સમયમાં પત્નીનું મુખારવિંદ ડાચુ બની જાય…અને ચરણકમળ ટાટિયા બની જાય.પ્રાપ્તિ કરતાં પ્રયત્નનો આનંદ હમેશા વધારે જ રહ્યો છે…એ કહેનારે સાચું જ કહ્યું છે..અનુભવને આધારે જ કહ્યું હશે. ને?ખેર!! જવાદો…આપણી મુખ્ય વાત એ હતી કે અમે હમણાં કયાંય ઘણાં સમયથી ઘરની બહાર નહોતા નીકળ્યા.તો થયું કે બહારગામ જવાય એવી સંજોગો તો હમણાં છે નહીં…પણ આ રવિવારે જરા કયાં ક ફરવા તો જઇએ ને તાજા માજા થઇએ.(તાજા માજા ઘેર કેમ થવાય…એની માહિતી મોટે ભાગે કોઇ પાસે હોતી નથી..તેથી આનંદની શોધમાં બહાર ભટકયા કરે છે.પેલા કસ્તુરી મૃગની જેમ ..)
હવે ચાલી.. બહાર જવાના સ્થળોની શોધ..!! પહેલાં થયુ કે ચાલો કોઇ સારું પિકચર જોઇ આવીએ.પણ પછી તરત થયું કે એ તો ઘેર બેઠા યે કયાં નથી જોવાતું?વિજ્ઞાને ઘરની બહાર નીકળ્યા સિવાય પણ દુનિયા આખીની સફર કરી શકીએ તેટલી સગવડ કરી જ દીધી છે.
તેથી પિકચરનું તો માંડી વાળ્યું..પછી કોઇ મ્યુઝીયમ જોવા જવાનો વિચાર આવ્યો….અને જેવો આવ્યો એ ભેગો જ કેન્સલ પણ થઇ ગયો…કેમકે એવા કોઇના સંગ્રહ..જોવા જવાની આપણે શું પંચાત?ઇતિહાસ તો આમે ય ભણતા હતા ત્યારથી જ કંટાળાજનક હતો અમારે માટે…કોણ કયારે જનમ્યું અને કયારે મર્યું…ને શું કર્યું..?એ બધી લપ કોણ કરે?ઇતિહાસ એટલે તો પારકી પંચાત જ ને?અને પાછું એ જોઇને આપણે તો દુ:ખી જ થવાનું ને?કેમકે એક તો આપણે આ બધા જેવા મહાન નથી..તેનું..આપણી પામરતાનુ ભાન થાય, અને બીજું આપણે આવો કોઇ સંગ્રહ પણ કરી શકીએ તેમ નથી…!! તો દુ:ખી થવું એના કરતાં એવી જગ્યાએ જવું જ નહીં…આપણે તો ફ્રેશ થવા…મનોરંજન માટે જઇએ છીએ.નહીં કે જીવ બાળવા…..!!!!
એટલે મ્યુઝીયમ ઉપર પણ ચોકડી મૂકાઇ ગઇ.ચોકડી…એટલે સીલેકશન….ચૂંટાઇ જવું ..એવો લોકશાહીનો અભિપ્રેત અર્થ અહીં નહીં લેવાનો હોં..!!!
તો બાગ બગીચામાં જવું?પણ એ ફૂલો ને ફુવારાઓ તો ઘણાં જોઇ નાખ્યા….તો પછી આખરે જવું કયાં?શહેરમાં શું ફરવા જવાના સ્થળો જ નથી રહ્યા?અને અચાનક વીજળીના ચમકારાની જેમ…(વીજળી ના ચમકારે પાનબાઇ મોતી યે પરોવી શકે તો વીજળી ના ચમકારે અમારું મન પણ ચમકી જ ઉઠે ને?)અને અમારા મગજમાં ઝબકાર થયો…ઘણાં વરસોથી કોઇ ઝૂ નથી જોયું..તો ચાલો આજે તો કોઇ ઝૂની મુલાકાત લઇએ.
ગમે તેમ તોયે આપણે રહ્યા સામાજિક પ્રાણી…જ ને?તો ભાઇબંધ..દોસ્તારો કે પછી પૂર્વજોને મળવાનું મન તો કયારેક થાય ને?બસ…અને તરત આ વાત મગજમાં ફીટ થઇ ગઇ.કે ઝૂ માં જ જવું…અરે,ભાઇ ,ઝૂ માં રહેવા જવાની નહીં પણ ઝૂ જોવા જવાની વાત થાય છે.!!(જોકે મનમાં એક ડર રહે કે કયાંક આપણને યે ઝૂ માં રાખી લેશે તો? ન જાણ્યું જાનકીનાથે ….!!પણ એ તો પડ્શે એવી દેવાશે..એમ ડરવાથી થોડુ ચાલે?)અને અમે સપરિવાર મિત્રમંડળ સાથે ઉપડયા ઝૂ માં.
ત્યાં જોકે ઘણાં બધા પ્રાણીઓ..પંખીઓની સત્તાવાર મુલાકાત લીધી…તેમના વિષે લખેલું બધું વાંચીને અમારા જ્ઞાનમાં અદભૂત વધારો થયો…એ બધું વિગતવાર કહેવા કે લખવા બેસીશ તો..હું લખીને થાકી જઇશ અને તમે વાંચી ને..તો.. બંને ને નુકશાન થાય એવું કામ કરવું જ શા માટે?(ખાલી તમને થતું હોય તો તો……)અને આમેય આ જમાનો રહ્યો શોર્ટ કટનો…ટૂંકુ ને ટચ બધાને ગમે….!!!!બરાબરને?
તો આ ઝૂ એટલે કે પ્રાણીસંગ્રહાલયમાં અમને સ્પર્શી ગયેલા…ના…ના..સ્પર્શ્યા કયાં હતા?,,ગમી ગયેલા…જેની સાથે અમારા ભવ્ય અતીતની યાદો સંકળાયેલ હતી…એ જ પ્રાણીઓની મુલાકાતની વાત તમને કરીશ.બસ થૉડી જ હોં…એટલે તમે યે છુટ્ટા અને હું યે…..!!!!
હા,તો ઝૂ માં સૌ પ્રથમ જ અમને મુલાકાત થઇ.પેલા મગરની.પેલા, એટલે કે વાંદરાનુ કાળજુ ખાવા માટે દગો કરી ને લઇ જનાર મગરની.અમે ધીમેકથી પૂછી જ લીધુ,”કેમ ભાઇ,હવે તારી મગરીની જીદ માની ને વાંદરાને ફસાવવાના પ્રયત્ન તો નથી કરતો ને?
મગરે જવાબ આપ્યો,”અરે,ના રે..મારા દાદાને વાંદરાએ કેવા ઉલ્લુ બનાવેલ..તે મને ખબર છે.અને હું કંઇ એમ મગરીની બધી વાત માં હા જી હા..કરું એવો નથી હો!!આપણે તો માનવુ હોય એટલુ જ માનીએ. સ્ત્રીનું કહેલ બધુ માનવા બેસીએ ને તો પસ્તાવાનો વારો આવે !!!બરાબર ને?તમારે ત્યાં યે આવું જ છે ને?”
અમે તો હા કે ના કઇ પણ કહ્યા સિવાય “નરો વા કુંજરો વા” રહેવામાં જ સલામતી અનુભવી અને તેને બાય કરી આગળ પ્રયાણ કર્યુ.
આગળ જતાં દેખાણા પોપટભાઇ…અમે પૂછયું,”કેમ છો પોપટ.રાજા રામના ને?અને તમને તો પૂછવાનું હોય જ નહીં ને?પોપટ ભૂખ્યો નથી કે પોપટ તરસ્યો નથી..પોપટ આંબાની ડાળ ને પોપટ સરોવરની પાળ..!! એ તો આજે યે અમને યાદ છે હો !!”
પોપટ કહે,”એ જમાના ગયા.તમે આઝાદ થયા..પણ આ જુઓને અમને તો અહીં પાંજરે પૂર્યા છે.મુકત ગગનવિહાર કયાં?આંબાની ડાળ કે સરોવરની પાળ કયાં?પેલા કાગડાભાઇ કચરા લાવ્યા હતા એ કેવા જલસાથી ફરે છે! “અમે તેમને સાંત્વના આપી જલ્દી ત્યાંથી આગળ ચાલ્યા.અમારું પાણીપોચુ મન થોડુ ભરાઇ આવેલ તેથી.
આગળ ગયા ત્યાં તો જંગલનો રાજા સિંહ દેખાયો.વાહ ! :કેમ છો સિંહભાઇ?મજામા ને?હવે તમને કોઇ સસલુ છેતરતુ તો નથી ને?”
સિંહ કહે,”ના,હો…હવે અમને કોઇ છેતરી ન શકે..એ તો અમારા દાદા ભોળા હતા તે સસલાથી છેતરાઇને કૂવામાં કુદકો મારી દીધો.બાકી આજે એ સસલુ આવે ને તો …..”
સિંહે ગર્વથી જવાબ આપ્યો.અમે અમારી પ્રશ્નોતરી આગળ ચલાવી.ઇંટરવ્યુ લેવો તો પૂરો જ લેવો ને?”સિંહ ભાઇ સાચુ કહેજો હો…અહીં આ પાંજરામાં મજા આવે છે?જંગલની યાદ નથી આવતી?તમે તો જંગલના રાજા….” સિંહ કહે…”રાજા..તો ઠીક મારા ભાઇ,સમજયા..આજકાલ રાજા ના કેવા હાલ થાય છે..એ અમારાથી યે કયાં અજાણ્યું છે?અને શિકાર શોધવા જવાની લપ તો નહીં.બેઠા બેઠા ખાઇ પી ને જલસા કરવાના…!!હા,આ મારી પત્નીને, સિંહણરાણી ને કયારેક જંગલની યાદ સતાવે છે ખરી..તેના પિયરનું અહીં કોઇ નથી ને તેથી.પછી ધીમેથી ઉમેર્યું..હકીકતે એટલે જ મને અહીં ગમે છે.નિરાંત છે!!”
અમે હસીને તેની યે વિદાય લીધી.કદાચ દૂરથી કોઇ ઝડપથી આવતું દેખાયુ એટલે નકામા કયાંક લેવા દેવા વિનાના ફસાઇ જવાય.જોકે અમને મૂકે તો યે કંઇ સિંહના પાંજરામાં તો ન જ મૂકે..એની ખાત્રી હતી.(કોના પાંજરામાં મૂકે?એવો પ્રશ્ન પાછો નહીં પૂછવાનો હો! બાંધી મુઠ્ઠી લાખની !! )
ત્યાંથી આગળ ચાલતા મળ્યા ખન્ધા શિયાળભાઇ..બિચારા અહીં કેવા નિમાણા થઇ ને બેઠા હતા !! અહીં કોની સાથે ચાલાકી કે કાવાદાવા કરે?અહીં તો તે કામ માટે માણસો હતા જ ને?!! અમે શિયાળભાઇને પૂછયું,કેમ શિયાળભાઇ.હવે કાગડાની પૂરી પડાવી નથી લેતા ને?કાગડાનું ગીત સાંભળવું છે કે?
પણ શિયાળભાઇ કંઇ જવાબ આપવાના મૂડમાં ન લાગ્યા.અમે ફરી એક પ્રયત્ન કર્યો.”શિયાળભાઇ દ્રાક્ષ અહીં કેવી મીઠી મળે છે કે ખાટી?”પણ આજે તે જવાબ આપે તેવી શકયતા લાગી નહીં.કદાચ પત્ની સાથે ઝગડો થયો લાગ્યો.કેમકે તેની પત્ની ત્યાં જ સામે બેઠી હતી..મોઢું ચડાવીને… ખેર! કોઇને પરાણે થોડુ કંઇ પૂછાય છે આ લોકશાહીમાં?
અરે,આગળ ગયા ત્યાં તો મળ્યા અમને બિલ્લી ભક્તાણી….અમે તો તેને જોઇને જ ખુશ થઇ ગયા:કેમ છો..બિલ્લીમાસી?હવે ટીલા ટપકા કરીને પંખીઓને છેતરતા નથી ને?અને હા,હવે તમારી બહેનપણી સાથે રોટલા માટે લડતા નથી ને?”
”અરે,લડીએ ને તોયે પેલા વાંદરાને તો ન્યાય કરવા બોલાવીએ જ નહીં હો.!! મારી દાદી ને એ લુચ્ચો વાનર ઠગી ગયો હતો…અને રોટલો પડાવી ગયો હતો..!! બિલ્લીમાસી ગુસ્સે થતાં બોલ્યા.અમે ગીત ગણગણતા ગણગણતા ત્યાંથી આગળ ચાલ્યા”એક બિલાડી જાડી ..એણે પહેરી સાડી…..સાડી પહેરી ફરવા ગઇ…..”
અને હવે મળ્યા ઉંદર..અહીં તો સફેદ રંગના સરસ મજાના ઉંદરો..!! અમે તો ધારી ધારી ને જોયુ..આમાનો એકે ય પૂંછડી વિનાનો દેખાય છે?કે એકે ય સાત પૂંછડીવાળો દેખાય છે?ઉંદરો સમજી ગયા…તેમણે ઘૂરકિયુ કરતા કહ્યું,”અરે,,એ અમે નહીં અમે તો સફેદ મજાના..એની ને અમારી જાત જુદી હો!!અમે કંઇ એમ કોઇના કહેવાથી પૂંછડીઓ કપાવીએ નહીં…અમે તો પેલા જંગલના રાજા સિંહ ને યે મદદ કરી હતી ..એના વંશજો છીએ સમજયા?”
અમે સમજી ગયા હોવાથી ત્યાંથી ચાલતી પકડી.અને આગળ ચાલ્યા.આમ તો હવે થાકી ગયા હતા.પણ એમ કંઇ અમારા પૂર્વજોને મળ્યા વિના તો જવાય જ નહીં ને?
યસ..અને હવે અમે મળ્યા વાંદરા ભાઇને..પણ એ થોડા ઉદાસ લાગ્યા. અમે પૂછયું,”વાહ ! વાંદરાભાઇ..કહેવું પડે હો! પેલા મગરને ,,બિલ્લીને બધાને કેવા મૂરખ તમે બનાવેલ નહી?તમારી ચાલાકી આગળ તો ભલભલા મૂરખ બની જાય..”
અમને એમ કે વખાણ સાંભળી ને એ ખુશ થઇ જશે.કહે છે ને કે “ખુશામત તો ખુદાને યે પ્યારી છે.”પણ..એણે તો ઘૂરકિયુ કરી ને અમારી સામે જોયું…અમે તો એનો ગુસ્સો સમજી ન શકયા,”અરે,વાનરભાઇ,અમારો કંઇ વાંક ગુનો?અમે તો તમારા વખાણ કર્યા..તો યે અમારી સામે કાં આમ દાંતિયા કાઢો?”
વાનર કહે,”તમારો વાંક છે એટલો તો કોઇનો નથી.અમને બધાને તમારી આખી જાત સામે વાંધો છે.ભાગો અહીંથી”તેણે અમારી સામે દાંતિયા કરતા ગુસ્સાથી કહ્યું. અમને તો કંઇ સમજાયુ નહીં..અમે તેને શાંત પાડતા કહ્યું,”અરે,ભાઇસાબ,તમારી કંઇ ભૂલ થતી લાગે છે..અમને બધાને તો તમારે માટે કેટલું માન છે !! તમે તો અમારા પૂર્વજ..! “
અને વાત પૂરી કરીએ તે પહેલાં વાનરભાઇ જે છટકયા..”બસ,હવે એ વાત સામે જ અમારો સખત વિરોધ છે.તમારા પેલા ડાર્વિને આમ કહી ને અમારું સખત અપમાન કર્યું છે. અમારી વાનર જાત આને અમારું કલંક સમજે છે..અપમાન સમજે છે.” ”પણ કેમ?કેમ?આ તો તમારું માન થયું..માનવી જેવો માનવી તમારામાંથી બન્યો છે…એનું તમને તો ગૌરવ હોવું જોઇએ..માનવી જેવું બુધ્ધિશાળી આજે બીજુ કોઇ છે ખરું?”
બુધ્ધિશાળી તો ઠીક સમજયા…પણ એ બુધ્ધિનો તે કેવો ઉપયોગ કરે છે એ અમારાથી યે અજાણ્યુ નથી જ. અરે,પોતાના સ્વાર્થમાં કુદરતને નુકશાન કરીને ..પર્યાવરણને નુકશાન કરીને તે પોતાના પગ પર જ કુહાડો મારી રહ્યો છે..તે જાણવા છતાં..અજાણ્યા બની આંખ આડા કાન કરી..ક્ષણિક સ્વાર્થ માટે સમગ્ર સ્રુષ્ટિને નુકશાન કરી રહ્યો છે..એ બધુ યે અમે જાણીએ છીએ હો !અને માનવી?માનવી આજે માનવી રહ્યો છે ખરો?
વાંદરામાં તો વાંદરાપણુ છે..માનવી માં માનવીપણુ છે ખરું?અમે તો અમારી ખાસિયત જાળવી રાખી છે.તમે તો તમારું માનવીપણુ..માનવતા કયાં જાળવી શકયા છો?અમે તો બિલ્લી કે મગરને મૂરખ બનાવીએ..અમારા જાતભાઇ સાથે કયારેય દગો ન કરીએ.કે મારીએ કે કાપીએ નહીં.ઇર્ષ્યા,અહંકાર,દંભ, સ્વાર્થ, નાત, જાત,ભાષા ,ધર્મ…બધા ભેદભાવ થી ભરેલ માનવીને તમે અમારા પૂર્વજો કહો છો?અમારું આવું અપમાન?એ ડાર્વિન ને તો અમે કયારેય માફ નહીં કરી શકીએ……”
અને ગુસ્સે થયેલ વાનરભાઇ તો ન જાણે કેટલું બોલતા રહ્યા…જે અમારાથી ન સાંભળી શકાયું..કે અમારી પાસે એનો કોઇ જવાબ પણ નહોતો..તેથી ચૂપચાપ ધીમે પગલે,વ્યથિત હ્રદયે અમે ત્યાંથી સરકી ગયા. બીજું કરી પણ શું શકવાના હતા?વાંદરાની વાત ખોટી છે..એમ પણ કયાં કહી શકીએ તેમ હતા?નીચી મુંડી કરી,અમે મૌન બની ગયા. અને હવે બીજા કોઇ પ્રાણી ને મળવા જવાની અમારી હિમત ચાલી નહીં.!!!વળી કોઇ બીજુ કંઇ સંભળાવી દેશે તો?
અને અમે વીલા મોઢે ઘેર પાછા આવી ગયા….પણ આ અમારી મુલાકાત અવિસ્મરણીય બની રહી..આજે યે વાનરના એ શબ્દો અમારા કાનમાં તો ગૂંજે છે.બધાના હૈયામાં ગૂંજી શકે ખરા?
નીલમ દોશી.