પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

નવા વરસની સંગીત સંધ્યા…. January 2, 2007

31 ડીસેમ્બરની અમારી સંગીત સંધ્યા….

આ 31 ડીસેમ્બર..2006 ની અંતિમ સંધ્યાએ અમારા કમનશીબે કે કોઇના સદનશીબે ..એ ખાત્રીપૂર્વક કહી શકાય તેમ નથી…પરંતુ અમારી બધી બહેનપણીઓની પતિદેવો બહારગામ હતા…એ હકીકત હતી..(એમ ન કહેતા હો કે એ તો એ લોકોએ તમારાથી દૂર રહેવા …પાર્ટીની સાચી મજા માણવા આ પ્લાન જાણી જોઇને ગોઠવ્યો હતો….!!!!આ વાત સાચી હોય તો યે જાહેરમાં એનો સ્વીકાર થોડો કરાય?)

હા.તો આ વરસના અંતિમ દિવસે..અમે બધી બહેનપણીઓ એકલી હતી..તેથી મીરાના સૂચનથી બધાએ મીરાને ત્યાં ભેગા થવાનું નક્કી કર્યું..કે ચાલો..બધા સાથે કંઇ ખાશું પીશું..(પીશું..એટલે આડુ અવળુ નહીં સમજવાનું હો)..ગીતો ગાશું..અને બાર વાગ્યે એકબીજાને શુભેચ્છા આપી છૂટા પડશું.
અને એ અંતિમ સાંજે…(જીવનની અંતિમ સાંજ નહીં હો…બાપા…હજુ …વીસે વાન પણ નથી આવ્યો…સ્ત્રીની ઉમર એમ કંઇ જલ્દી થોડી વધે છે?)

31ડીસેમ્બરે અમારી સંગીત સંધ્યાની શુભ શરૂઆત થઇ.

મીરાને ત્યાં બધા ભેગાથયા…અને વાતો કરતા કરતા આનંદથી જમ્યા…છોકરાઓને પણ સાથે મજા આવી ગઇ.જમીને નિરાંતે બેઠા…કે હવે ગીતોની મહેફિલ શરૂ કરીએ.સૌ પ્રથમ બધાએ મીરાને આગ્રહ કર્યો…કે શરૂઆત યજમાનથી થવી જોઇએ.!તો મીરા કહે,”ના,હોં..! હું તો છેલ્લે નિરાંતે ગાઇશ…તમે બધા શરૂ કરો..આમેય હું આજે બધી વ્યવસ્થા કરવામાં હતી તે થોડી થાકી ગઇ છું.અને…….
હજુ તો મીરા વાકય પૂરું કરે તે પહેલાં જ નીપાને થોડુ ખરાબ લાગ્યું અને તે હતી આમેય આખાબોલી…તે તરત બોલી ઉઠી,”અમને બધાને ખબર છે..તેં વ્યવસ્થા કરી છે તે.એ માટે ગાજવાની કોઇ જરૂર નથી.આ તો તેં તારા ઘરનું કહ્યું એટલે અહીં રાખ્યું…બાકી મને તો મારે ઘેર જ રાખવાની ઇચ્છા હતી.(જોકે તે સિફતથી એ ભુલી ગઇ કે તેણે તો પહેલા જ કહી દીધું હતું કે આ વખતે મને મારે ઘેર ફાવે તેમ નથી…..)”

મીરા કહે,”મારો કહેવાનો અર્થ એ નહોતો..હું તો જસ્ટ કહેતી હતી કે……….”
ત્યાં જ બટકબોલી પાયલ વચ્ચે જ બોલી ઉઠી…”કોઇ તારે ઘેર કંઇ પરાણે નથી આવ્યું…ખાવાની અહીં કોને પડી છે?આ તો એ બહાને બધા સાથે મળીએ અને આનંદ કરીએ….બાકી કોઇ કોઇને ઘેર આવવા નવરું યે નથી…બાકી ખવડાવીને પછી આમ સંભળાવવું એ સારું ન કહેવાય…”

શ્રેયા બોલી,”પાયલની વાત સાવ સાચી છે.મેં આજ દિવસ સુધી સૌથી વધારે વાર બધાને મારે ઘેર જમાડયા છે…પણ હું કયારેય કંઇ બોલી?”

અને ખ્યાતિ તરત જ બોલી,”તે અત્યારે યે ન બોલી હોત તો વધારે સારું થાત….આમ કહીને બોલી તો લીધું..અને પાછી રાજાની કુવરીની જેમ કહેશે…હું તો બોઇ યે નથી ને ચાઇયે નથી…. “

અને આ ચક્કર ગમે તેમ કરીને પૂરુ કરવાની જવાબદારી તો આખરે યજમાનની જ …એટલે કે મીરાની જ કહેવાય ને?તેને મનમાં તો થયું કે મેં કયાં આ બધાને ભેગા કર્યા….આ બધીઓ પતિદેવ સાથે હોય ત્યારે જ અને તો જ મૂગી રહે તેમ છે…ને સભ્યતાથી ..સીધી ચાલે..બાકી નહીંતર ઓરીજીનલ રૂપ આવી જ જાય….હું કયાં વળી એક વાકય બોલી…અને આઆખી રામાયણ કે મહાભારત ઉભુ કર્યું…!! આના કરતાતો એક લાઇન ગાઇ લીધી હોત તો સારું થાત…..!!!

મનમાં આમ વિચારતી મીરાએ બિચારીએ વાત આગળ ન વધે એ પોતાની જવાબદારી સમજી કહ્યું,”સોરી…!! તમને કોઇને એવું લાગ્યું હોય તો….મારો એવો કોઇ ઇરાદો નહોતો…બસ…!!!!

અને પછી તો આ સોરી પર ખાસ્સી ચર્ચા ચાલી..”અમે કંઇ તને સોરી કહેવાનું નહોતું કહ્યું…અ તો જરા જે સાચું લાગ્યું તે કહી દીધું…”

અંતે પાયલને વળી સદબુધ્ધિ આવી…તે બોલી.:ખેર! ચાલો જે થવાનું હતું તે થઇ ગયું.મન મોટું રાખી જવા દો બધા….અને ચાલો.હું જ ગાવાની શરૂઆત કરું છું….આમેય આ બધી લપમાં જ 11 તો વાગી ગયા…કહી પાયલે શરૂ કર્યું..

”દુનિયામેં હમ આયે હૈં તો જીના હી પડેગા…
જીવન હૈં અગર ઝહર તો પીના હી પડેગા…”

ત્યાં ખ્યાતિ કહે..”અરે,બાપા…આ નવા વરસની શરૂઆતમાં આવા મરસિયા કયાં ચાલુ કર્યા?”

શ્રેયા કહે,”હવે ડાહી થયા વિના તું બીજુ સારું ગા…બસ?”

ખ્યાતિ કહે,”આજે મારું ગળુ જરા ખરાબ છે…આજે મારાથી બહુ સારું નહીં ગવાય…”કહી તેણે બે –ચાર ખોખારા ખાધા….

પાયલ કહે,”એ બધી પ્રસ્તાવનાની બધાને ખબર છે..અને પછી ધીમેથી ઉમેર્યુ..”આમેય કે’દિ સારું ગવાય છે?”

મીરા કહે,”આ તો બધાને ગાતા પહેલા આવું કંઇક બોલવાની આદત હોય છે… થોદું માન ખાઇને પછી જ બે લાઇન ગાવાની શરૂઆત કરશે…અરે,ભાઇ અહીં બધાને ખબર છે કે અહીં કોઇ હરિફાઇ નથી…અને આપણે બધા એકબીજાને સારી રીતે ઓળખીએ છીએ…પછી….”

શ્રેયા કહે,”બસ બસ…હવે….”

અને આગળ ચર્ચા ચાલે તે પહેલા નીપાએ ચાલુ કર્યું…

”હમ થે જીનકે સહારે,વો હુએ ના હમારે…”

અને પાયલે પૂરુ કર્યું,

ડૂબી જબ દિલકી નૈયા,પતિદેવ નહીં થે હમારે…”

અને હજી આગળ સંગીત સંધ્યા ચાલે તે પહેલાં જ ઘડિયાળમાં 12 ના ટકોરા પડયા..(કદાચ આ સંઘ કાશી એ નહીં પહોચે..તેની તેને યે સમજ પડી ગઇ હશે તેથી જલ્દી જલ્દી બાર વગાડી દેવામાં જ મજા છે..નહીંતર અહીં કોઇના બાર વાગી જશે…)

અને મીરાએ કહ્યું,”ઓહ..!!! બાર વાગી ગયા….નવા વરસની શુભ શરૂઆત થઇ ગઇ…અને મીરા એ “”જનગણમન”” શરૂ કર્યું….અને નવા વરસની અમારી સંગીત સંધ્યા અહીં પૂરી થઇ.!!!!!

                    નીલમ દોશી.

આવતે વરસે કોને ત્યાં રાખીશું આ મહેફિલ?

 

આજની ખાટી મીઠી… January 2, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:00 am

ચૂંટણી એટલે વચનોની વસંત.