પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સત્યના પ્રયોગો…(બાબુભાઇના હોં!!) December 30, 2006

આમ તો માણસમાત્રને એક ફાંકો હોય છે કે પોતે કયારેય જુઠ્ઠુ નથી બોલતા.આપણન્એ ખોટુ બોલવું ફાવે જ નહીં ને!!!આપણે તો ચોખ્ખુ…જે હોય તે કહેવાવાળા!!!પણ આ બધાના મનમાં જો ઝાંકીને જોઇએ તો..ત્યારે જ સાચી વાતની ખબર પડે!!!

આ આપણા બાબુભાઇ પણ સત્યના આગ્રહી!! પોતાની જાતને ને પોતે તો એટલીસ્ટ એમ જ ગણાવતા.અને હરીશચન્દ્ર પછી પોતાને જ માનતા!!!(કેમકે ગાંધીજી તો નાનપણમાં ખોટું બોલ્યા હતા!!)

બાબુભાઇ મિત્રોમાં યે વારંવાર કહેતા ફરતા,”આપણને સાચા ખોટા કરવા ફાવે જ નહીં ને!!!મને તો જુઠની બહુ નફરત!!”

અને મિત્રોને તેમની આ વાત સાંભળવામાં બહુ વાંધો નહોતો કેમકે આ વાત હમેશા ગરમાગરમ સમોસા કે ભજીયા ખાતા ખાતા જ કરવાની બાબુભાઇને આદત!!!અને કહેવાની જરૂર ખરી કે એનું બીલ બાબુભાઇ જ હમેશા પ્રેમથી આપતા.તેથી મિત્રો હોંશે હોંશે સાંભળતા.!!!(આપણને રોજ ખવડાવે તો આપણે યે સાંભળી લઇ એ નહીં?)

આમાં એકવાર અચાનક બાબુભાઇના હાથમાં ગાંધીજીની “સત્યના પ્રયોગો”આત્મકથા આવીએ.અને પાછી ભુલથી તેમણે થોડી વાંચી પણ લીધી!!!અને તેમના નાજુક..સંવેદનશીલ મન પર એટલી બધી અસર થઇ ગઇ કે તેમને થયું કે મારા સત્યમાં..થોડીકેય કોઇ ઉણપ ભૂલથી યે રહી ગઇ હોય તો મારે તે પણ કાઢવી જરહી!!તો જ મારું સત્ય..સંપૂર્ણ સત્ય બને!!એમાં કોઇ બાંધછોડ ન ચાલે.

અને મનમાં વાત આવે અને શરૂ ન કરે તો બાબુભાઇ શાના?ગાંધીજીની જેમ એ પણ પ્રયોગવીર હતા!!! અને તેમણે નક્કી કર્યું કે ગમે તે થાય…આજથી સાવ નાની બાબતમાં પણ સંપૂર્ણ સત્ય જ બોલવું અને સત્ય સિવાય કંઇ ન બોલવું!!ગીતા ઉપર હાથ મૂકયા સિવાય પણ તેમણે સોગન્દ ખાધા!!! અને શરૂ થયા…બાબુભાઇના સત્યના મહાન પ્રયોગો!!!!!
બીજે દિવસે બાબુભાઇનો મિત્ર કનુ કાચવાળા તેને ઘેર આવ્યો.કંઇક વાતમાંથી વાત નીકળતા તેણે બાબુભાઇને પૂછયું,”પેલો મનુ મારા વિષે કંઇ બોલતો હતો?તારી આગળ?”

સત્યના પ્રયોગો પર રહેનાર બાબુભાઇએ તો ફટ દઇને કહી દીધું,”અરે,એ મનુ તો તને કેટલીયે ગાળો દેતો હતો!!!”અને પછી તેમણે તો વિગતવાર અહેવાલ આપ્યો.કે મનુ તેમના વિશે શું શું બોલતો હતો!!!!

અને પછી તો કનુ ને મનુ વચ્ચે જે જામી છે..જે જામી છે…અને બંને કાયમના દુશ્મન થઇ ગયા!!પણ બાબુભાઇ બિચારા શું કરે? અને પછી તો તેમની આ કુટેવની બધાને ખબર પડી ગઇ.અને તેમના મિત્રોને બદલે દુશ્મનોની સંખ્યા વધવા લાગી.બધા તેમનાથી દૂર રહેવા લાગ્યા.સત્યની વાતો કરતા હતા ત્યાં સુધી તો મિત્રો ભજીયા માટે થઇને યે સહન કરી લેતા હતા!!

પણ હવે આ પ્રયોગો થૉડા સહન કરી શકાય?અને દોસ્તારોમાં તો આવું બધુ ચાલતું જ હોય ને?જે ગેરહાજર હોય તેની વાતો કરવાનો જે રસ હોય તે કેમ જતો કરી શકાય?પણ હવે આ બાબુભાઇને લીધે તકલીફ પડવા લાગી.અને બાબુભાઇ એકલા બની ગયા.મિત્રોએ તેનો સાથ છોડી દીધો.પણ એમ કંઇ બાબુભાઇઅ ડગે નહીં!! તે તો એકલવીર બની ગયા”એકલો જાને રે” ની જેમ…

પણ સાચી તકલીફ હવે ઘરના મોરચે શરૂ થઇ.બાબુભાઇના પત્ની બચીબેને તેમને બહારનું ખાવાની સખત મનાઇ ફરમાવી હતી!!!(તબિયતને લીધે જ તો!!)પણ બાબુભાઇ રહ્યા ગાંઠિયા ભજીયાના શોખીન!!! તે રહી ન શકે અને ઘેર આવતા આવતા બધું બહાર ઝાપટી ને જ ઘેર આવે.અને ઘેર ખોરાક ઘટાડી નાખ્યો છે..કહી બચીબેન ને ખુશ કરતા!!!

આજે યે સારા એવા સમોસા ને ભજીયા દબાઇ ગયા હતા!!જમવા બેઠા.બચીબેને પૂછયુ,:અરે,આજે તો ખીચડી છે..કેમ આટલી ક જ લીધી?બહાર કંઇ ખાધુ હતું?”
બાબુભાઇને કહ્યા સિવાય છૂટકો કયાં હતો?”આજે સમોસા..ભજીયા થોડા….ના..ના..વધારે ખવાઇ ગયા છે.(બોલવું તો પુરૂ જ સાચુ બોલવું રહ્યું ને!!!!)
સમોસા..ભજીયા?તમને ના પાડી છે ને?અને રોજ ખાતા લાગો છો!!!!

બાબુભાઇ બિચારા ગેં ગેં ફે ફેં..થઇ ગયા.!!ન હા કહી શકે..ન ના…!!!
અને બચીબેનનું જોરદાર ભાષણ સાંભળી..ચંડિકારૂપ જોઇ બાબુભાઇને આ પ્રયોગો થોડા મોંઘા તો લાગ્યા…પણ…હવે તો ડગલું ભર્યું કે ના હટવું…ના હટવું…”

પણ પછી આ તો રોજની રામાયણ…મહાભારત ચાલુ થયું…એકવાર શંકા આવવાથી હવે તો રોજ બચીબેન ઉલટતપાસ લેવા માંડયા….બાબુભાઇ દુકાનેથી રોજ થોડા વહેલા નીકળી..મિત્રો સાથે ગપાટા મારવા..પાન ..મસાલો ખાવા જતા હતા!!અને કયારેક મિત્રોની સોબતમાં એકાદ પેગ પણ લગાવી લેતા હતા!!

અને સત્યના પ્રયોગોની સાથે બાબુભાઇની કયારેય બહાર ન આવેલ આ વીકનેસોને મોકળુ મેદાન મળતા ઉછળી ઉછળી ને બહાર આવવા લાગી!!!અને બધાની સાચી વાત એકબીજાને કહી દેવાને લીધે તેના મિત્રોને બદલે દુશ્મનોની સંખ્યા વધવા લાગી.

બધા આ “પંતુજી:થી દૂર ભાગવા લાગ્યા.થોડો વખત તો બાબુભાઇ એકલવીર બની ઝઝૂમ્યા… પણ હવે તો મિત્રોની સાથે સંસાર પણ તૂટવાની અણી પર આવી ગયો.!!અને બાબુભાઇ બચીબેન ને છોડી આ ઉમરે બીજી પટલાણી કયાં ગોતવા જાય?

અને તેમને બ્રમ્ભજ્ઞાન લાધ્યું..આ 21મી સદીમાં આવા પ્રયોગો આદરવા હિતાવહ નથી.પોતા માટે તો ઠીક..પણ સમાજ માટે..મિત્રો માટે કે પત્ની માટે હિતાવહ નથી.પોતાની એકની વાત હોત તો બાબુભાઇ બધું ચલાવી લે અને ન જ ડગે!!!પણ મિત્રો ને પત્ની માટે આટલો ભોગ પોતે આપવો જ રહ્યો!! મૈત્રીથી અમૂલ્ય બીજું જીવન માં શું છે?શું પોતે મૈત્રી માટે આટલો ભોગ ન આપી શકે?

અને બાબુભાઇએ મૈત્રી માટે થઇ ને સત્યનો ભોગ આપી દીધો!!!
આપ સૌનું પણ એવું જ છે ને?મૈત્રીથી વિશેષ બીજું શું હોઇ શકે?બરાબરને?બાકી તો તમે સૌ પણ…..!!!!!

                                                           નીલમ દોશી.

 

Leave a Reply