ઢોળાતો..ઉભરાતો… પાડોશી પ્રેમ…..

“Love thy neighbours” ઘણીવાર વાંચ્યું હતું…અને સાંભળ્યું હતું.પહેલા સગા પાડૉશી…એ ઉકતિથી પણ સુપરિચિત હતી જ.પણ એનો પ્રત્યક્ષ અનુભવ હમણાં થયો જેમાં આપ સૌને સામેલ કરવા નો લાભ આપવાનું મન થાય છે.જે મેં માણ્યું તે વહેંચવું તો ખરું ને?ગમતાનો ગુલાલ !!!!!

અમે હમણાં નવી સોસાયટીમાં ઘર લીધું ત્યારે પડોશીના ઉભરાતા…છલકાતા…ઢોળાતા પ્રેમને અનુભવી અમે ગદગદ્ થઇ ગયા !!!તેમની અવર્ણનીય લાગણીનો એહસાસ કરી અમે તો અભિભૂત બની ગયા..અને એ અદભૂત લાગણી ના અહસાસથી જ આજે કદાચ મોટા મોટા…અઘરા અઘરા..શબ્દો હાથમાં આવે છે.અઘરી લાગણીના પ્રતીકરૂપે…!!!!

હા,તો સોસાયટીમાં અમે રહેવા ગયા…અત્યાર સુધી અમે નશીબદાર હતા..કે અમને પાડોશી ઓ ખૂબ સરસ મળ્યા હતા !!(જોકે એ લોકોને કેવા પાડૉશી મળ્યા હતા…એ તો તેમને ખબર.તેમના નશીબ ખરાબ હોય તેમાં મારો જરાયે વાંક થોડો કહેવાય?) એટલે અહીં પણ હતું કે સારા જ મળશે….(“આપ ભલા તો જગ ભલા” એ કહેવત ઘણીવાર ભુલાઇ જાય છે….મારાથી…આમેય હું મૂળથી જ થોડી ભુલકણી ખરી !!!કેમકે નહીતર તમે એમ કહોકે એ તો ઉમરનો પ્રતાપ.જોકે મારી જન્મતારીખ 29 ફેબ્રુ. છે….સાલ નહીં પૂછવાની…હોં !એટલે દર વરસે હું મૉટી થાઉં કે નહીં પણ મારી ઉમર તો દર વરસે વધતી નથી…વધી શક્તી જ નથી….. તેથી થોડી નિરાંત છે….)

સોરી…સોરી…આડી વાતે ચડવાની મારી ટેવ જલ્દી છૂટતી નથી.પ્રયત્ન ચાલુ છે.શેના?ઓહ…..!! એ તો યાદ કરવું પડશે….!! શેના પ્રયત્ન મારે કરવાના છે….

હા, તો અમે સોસાયટીમાં રહેવા ગયા…(જાણે કેમ મોટું પરાક્રમ કરી નાખ્યું હોય….!! કે કરોડોના બંગલામાં રહેવા ગયા હોઇએ!!!!)
હવે આ સોસાયટીના પાડૉશીઓ વધુ પડતા ઉત્સાહી હોય કે પછી મારી ઉપર પ્રેમ ઉભરાઇ આવ્યો હોય તેમ ગયાને બીજે જ દિવસે બાજુમાંથી એક બહેન ટહુકયા,”મારું નામ નીના…હું અહી તમારી બાજુમાં જ રહું છું.આ તમે નવા આવ્યાતો મને એમ કે તમને એવું ન લાગે કે અહીં કોઇ પાડોશી બોલતા યે નથી !!!તમારે કંઇ પણ કામ હોય તો મૂંઝાવું નહીં.ટાણે કટાણે પાડોશી કામ નહીં લાગે તો કોણ કામ લાગશે?તમારે જરાયે ચિંતા કરવી નહીં..હું બેઠી છું ને અહીં બાર વરસની..!! (જોકે એ બહેન બાર વરસના તો નહોતા જ…કદાચ બાર વરસની દીકરીની મા બેઠી છું…એમ કહેવા માગતા હશે!!)

હું તો ખુશ થઇ કે ચાલો,કોઇ બિચારું સામેથી કહેવા આવ્યું.મેં કહ્યું,”હમણાં તો કંઇ કામ નથી…તમે આવ્યા તેથી ખૂબ આનંદ થયો ..આવતા રહેશો..તો મને યે સારું લાગશે…’(પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારવાની આમેય મારી જૂની ને જાણીતી ટેવ છે…”આ બૈલ,મુઝે માર..” ની જેમ મને ખબર કયાં હતી…કે …….)

તે દિવસે તો નીનાબહેન..ના..ના.. કરતાંયે ગયા..ખાલી જતા જતા બિચાર જરા ચેવતા ગયાકે..આ સામેવાળી ચિબાવલી ઇશા થી દૂર રહેજો…એને બહુ પંચાત કરવાની ટેવ છે.આ તો તમે નવા છો એટલે મને એમ થયું કે તમને ચેતવી દેવા સારા…બાકે મને તો કોઇની પંચાત જરાયે ગમે જ નહીં !!!

આમ ખાતુ ખોલાવી નીનાબેન તો ગયા… બીજે દિવસે હાથમાં એક મોટો વાટકો લઇ ને પાછા આવ્યા,”આ થોડા ઢોકળા બનાવ્યા છે જરા ચાખવા માટે લાવી છું…”મેં વિવેક કર્યો…,:ના,ના,હેરાન શું કામ થયા?” અને આમ થોડા વિવેકની સામસામે ફેંકાફેંકી થયા બાદ મેં ઢોકળાનો વાટકો હાથમાં લીધો..ખાલી વાટકો જ મોટો હતો..બાકી ખરેખર ચાખવા જેટલા જ હતા… એ વગર પ્રયત્ને નોંધાઇ ગયું. પછી રસોડામાં મૂકવા જતી હતી ત્યાં જ પાછળ પાછળ રસોડામાં આવ્યા અને કહે,”વાહ,તમે તો બહુ ઝડપી…સરસ ગોઠવી લીધું આટલીવારમાં તો.!!!ઠીક તો હવે પેલી ઇશા ને ઘેર નથી જતી…જરા ખાંડ અચાનક ખાલાસ થઇ ગઇ હતી…તો ઇશાને ત્યાં લેવા જતી હતી…આમ તો મને તેના કે કોઇના યે ઘરે માગવા જવું જરાયે ન ગમે..પણ આ અચાનક ખલાસ થઇ ગઇ…અને મારું ધ્યાન ન રહ્યું..બાકી એ ચિબાવલી પાસે માગવા કરતા હું તો ચલાવી લેવું વધુ પસંદ કરું…હવે તો તમે આવી ગયા છો તો સારું છે..મારે એની પાસે જવું મટયું….(અને મારી પાસે એ શુભ શરૂઆત હતી…!!એની મને કયાં ત્યારે ખબર હતી?)

પછી સામે જ કાચની બરણી માં દેખાતી ખાંડ જોઇને કહે,”તમે તમારે હેરાન ન થાવ,,હું જાતે લઇ લઇશ..મારો સ્વભાવ પહેલેથી જ એવો ને કે કોઇને તકલીફ આપવી મને ગમે જ નહીં !!અને બોલતા બોલતા તેણે જાતે બરણી ઉતારી મોટો વાટકો ખાંડ ભરી બરણી જગ્યાએ મૂકી દીધી.અને બોલ્યા,”જુઓ..પાછી લેવી પડશે હો !!!(પણ મેં કયાં હજુ ના પાડી હતી? પાછી લેવાની…)
ચાલો,જરા ઉતાવળ છે હો!! પછી નિરાંતે આવીશ હો!! જરાયે ચિંતા કરતા નહીં..!! કંઇ કામ હોય તો બેધડક કહી દેવું.અરે,અડધી રાતે યે મારા ઘરના બારણા તમારે માટે ખુલ્લા જ છે.(મને થયું કે પણ લાગે છે..મારે અડધી રાતે બારણા બંધ રાખવા પડશે…!!).
અને બે ઢોકળાના બદલામાં મોટો વાટકો ખાંડ નો ભરી ..ખાસ્સી શિખામણો નો ડુંગર ખડકી તેને ઉતાવળ હતી તેથી એક કલાકમાં જ ચાલ્યા ગયા…!!!મને થયું..મારે આવો વિચાર કરવો ન જોઇએ,બિચારા પ્રેમથી આપવા આવ્યા હતા!! અને ખાંડ કયાં ભાગી જવાની છે?મને મારી પર જ શરમ આવી …આવા વિચારો બદલ!!!(પણ ખાંડ ખરેખર ભાગી જ ગઇ હતી..એ તો પાછળથી જ સમજાયું)
બીજે દિવસે બપોરે થાકી ને આરામ કરતી હતી ત્યાં અચાનક વાવાઝોડાની જેમ આવ્યા….
”જાગો છો કે સુતા છો?શું ચાલે છે?”

“ખાસ કંઇ નહીં “બગાસા ખાતા મેં જવાબ આપ્યો…

“સૂઇને ઉઠયા ને?મારું યે એવું જ છે.હું યે હમણાં જ સૂઇને ઉઠી..મને થયું કે ચાલો એકવાર મારે ઘેર ચા પીવા આવવાનું આમંત્રણ તો આપતી આવું!!!!કાલે..પરમ દિવસે..ગમે તાય્રે અનુકૂળતાએ જરૂર આવવાનું છે હો! આ તો મને એમ કે હમણાં તમે નવા છો એટલે સ્વાભાવિક જ બહુ સમય ન મળે..એટલે તમને કયાં ખોટી કરવા?તો ચાલ,હું જ જઇ આવું.

આપણે સાથે જ ચા પીશું.બરાબરને?એ બહાને બે ઘડી વાતો યે થાય..ગપ્પા યે મરાય…લાવો હુ ચા બનાવી આપું?મને એવુ જરાયે ન ગમે..હું એવી ફોર્માલીટી માં જરાયે માનતી જ નથી..પાડોશમાં રોજ રહેવું ને આવુ બધું શું કામનું ?બરાબરને? નીનાબહેન તો હસતા જાય ને સાથે સાથે રસોડામાં ખાખા ખોળા કરતા જાય.હું જલ્દી ઉભી થઇ ગઇ..,”ના,ના,માસી..તમે મારાથી આટલા મોટા ને મારે તમને તકલીફ ન અપાય.તમે બેસો હું ચા બનાવું છું…” ”ના, રે,તું તો મારી દીકરી જેવી છે..એમાં તકલીફ શેની?

અને નીનાબેને તપેલી ભરી ને ચા બનાવી અને બોલ્યા,”લે,તં યે મારી ચેતુને યે બોલાવી લઉં.તને ઓળખાણ પણ થશે….ને બધા સાથે ચા પીવાની મજા આવે.કહી તેણે તેની દીકરીને બારીમાંથી જ બૂમ પાડી….અને સાથે મને કહ્યું,”લે ભેગાભેગ થોડી બટેટાની કાચરી યે તળી નાખ…આ સામે દેખાય છે ને તે જ..અમારી ચેતુ પાછી જરા ચાગલી..એકલી ચા તેને ભાવે જ નહીં…” ત્યાં તેની ગોળમટોળ ટુનટુન જેવી દીકરી (હતી તો બાર કે તેર વરસની..પણ લાગતી હતી….)દોડતી આવી..તેને કહે,”જો માસી તારા માટે વેફર તળે છે…”

અને થાળી ભરી ને વેફર ખાઇને અને ચા પી ને..ઇશા ની વાતો કરી ને મા દીકરી વિદાય થયા ત્યારે સાંજ પડી ગઇ હતી!!!

અને પછી તો આ પડોશી પ્રેમનો સિલસિલો એવો તો ચાલ્યો….કે…. કયારેક ટાણે કટાણે પાડોશી જ કામ લાગે એ સૂત્રનો ઉપયોગ તેમણે બરાબર કર્યો…ગમે તે સમયે આવી,,ગમે તે માગી જાય…(દીકરી જેવી પાડોશી ને ઘેર વળી માગવામાં શરમ શાની?અને દીકરીને વળી પાછું આપે એ સારું થોડું લાગે?)અને તેની ચેતુને યે વળી મારી જ માયા લાગી ગઇ.હા,હું ભૂલથી યે કયારેય જાઉં ત્યારે તેમને અચૂક મોડુ થતું જ હોય..! અને બીજીવાર નિરાંતે આવવાનો વાયદો મારી પાસેથી લે પછી જ બિચારાને શાંતિ થાય.!!!!

અને આમેય મને તેના જેવા હોશિયાર થતા કયાં આવડતું હતું?

આજે તો. રવિવાર છે ને ..તો આ ચેતુના પપ્પાએ કહ્યું .ચાલો આપણે સાથે જ ગરમ ગરમ ગાંઠિયા ખાઇએ.મારે આ મૂળા સરસ આવ્યા છે…..તમે ગાંઠિયા જરા જલ્દી લઇ આવો એટલે સાથે જ ખાઇએ.તમને જુવાન માણસોને તો બાઇકની એક કીક મારી અને આ ઉપડયા..ને આ આવ્યા…કહી એ આરામથી સોફામાં જમાવે.અને હાથમાં રીમોટ પણ ચાલુ ને જીભ તો ચાલુ હોય જ….!!! અને ગાઠિયા ખાઇને જાય અત્યારે ફરિયાદ અચૂક કરે…તમે તો કયારેય નિરાંતે આવતા જ નથી?આવું ન ચાલે હો!! અમે તમને દીકરી જેવા ગણી ને ગમે ત્યારે આવી જઇએ…..તમારે યે આવતા રહેવાનું હો!! જરાયે જુદાઇ નહીં રાખવાની..!!

પણ આ બધી વાતો એ અમારે ઘેર આવે ત્યારે જ તેમને યાદ રહે!! બિચારા ભૂલકણા ખરા ને!!!
આવા તો અનેક પ્રસંગોથી તેણે અમને પ્રેમમાં ને પાડોશી ધર્મમાં ભીંજવી દીધા છે.કમનશીબે આજ સુધી હું એને ભીંજવી શકી નથી.એમની આવડત આગળ (કે પાછળ)મારો પનો હમેશા ટૂંકો પડે છે.અને તેથી એ મને લાભ આપી શકે છે…હું તેમને લાભ આપી શકતી નથી..એટલે પાડોશી તરીકે તેમણે મને નાપાસ જાહેર કરી છે.મને સંબંધ રાખતા જ નથી આવડતું !! આ તો તેમના એકલાના બિચારાના પ્રયત્નોથી જ સંબધ જળવાઇ રહ્યો છે..!!!!
અમે થોડા ગભરાઇ તો ગયા છીએ…સારા પાડોશી થતા અમને ન આવડયું માટે…આજે યે અમે ચિબાવલી ઇશા ની વાતો સાંભળીએ છીએ અને જલસા કરીએ છીએ.
આ જલસામાં ભાગીદાર બનવું છે?
બાકીના અદભૂત કિસ્સાઓ આવતા અંકે કયારેક…!!! અત્યારે એમના પગલાનો અવાજ સંભળાઇ રહ્યો છે..લાગે છે કદાચ……આજે સાથે જમવાનું મન થયુ હશે!!!!!

તમને કોઇને પણ મન થાય તો આવી જજો હો!!!!!

                                   નીલમ દોશી.

8 Comments

  1. 1

    ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
    કે જે સારા હોય છે તેની દશા સારી નથી હોતી.

  2. 2
    સુરેશ જાની Says:

    વાહ ! અમને અમેરીકામાં આવા પડોશી નથી મળતા તેનો સાનંદ ખેદ થાય છે !!
    પણ અમારાથી ત્રીજા ઘેર એક અમેરીકન પતિ અને અલ સાલ્વાડોરના પત્નીને બે બાળકો છે. તે રજાના દિવસે, તેમના બન્ને પુત્રોને અમારા ઘેર અચૂક મૂકી જાય છે ખરા !! પણ એ આવે એટલે અમારા પ્રીન્સ તેમની સાથે બીઝી થઇ જાય એટલે આપણને નિરાંત.
    હા ! એ જાય એટલે ચાર ઘણું ઘર અસ્ત વ્યસ્ત થઇ જાય, તે તો હોય જ ને વળી? !!

  3. 3
    Hiral Says:

    LOL,
    Its fun reading your blog GAMTA NO GULAL.

  4. 4
    Jayshree Says:

    અત્યાર સુઘી મળેલા સારા - નરસા પડોશીઓ યાદ આવી ગયા.. બાકી અહીં અમેરિકામાં તો બાજુના અપાર્ટમેંટમાં કોણ રહે છે એ પણ ખબર નથી.

    મજા આવી હોં આંટી …!! :))

  5. 5

    vanchi ne padoshi jarurthi yad avi jay
    mumbama pan avu j chhe.

  6. 6

    હા હા હા… આંટી બઉ મઝા આવે ગૈ હોં!

    તમે ગુજરાતમાં આવીને ગોઠવાઇ ગયા કે?
    આ તમારા જ કોઇ નવા પડોશી તો નથી ને?!!! :-)

  7. 7

    આ મારા નવા પાડૉશી તો નથી..પણ જૂના જરૂર હતા…એક જમાનામાં ગુજરાત હજુ હવે….નવા વરસે

  8. 8

    આ ન્ટી, પાડોશી કોણ છે જોઇ તપાસી ને પછી રહેવા જજો. :)

RSS Feed for this entry

Leave a Comment