આપણા બાબુભાઇને ઘણીવાર થતું કે આ બચીબેનને કેવા જલસા છે!!!ન ટાઇમે ઉઠવાનું…ન દુકાને કે ઓફિસે જવાનું..ન નફા ખોટની ચિંતા..પૈસા કમાવાની કોઇ ચિંતા નહી!!! મરજી પડે ત્યારે ઉઠવું..ખાવું..પીવું અને નોકર પર ઓર્ડર કરવા….શોપીંગ કરવું અને ફોનમાં ગપ્પા મારવા…છોકરાઓ સ્કૂલે જાય ,પોતે ઓફિસે જાય…અને બસ બચીબેનને જલસા!!!
સૂતા સૂતા બાબુભાઇ આવા વિચારોમાં ખોવાયેલા હતા.તેને થયું કે હું સ્ત્રી હોત તો કેવું સારું!!!!જલસા પડી જાય!!!
હવે કાગને બેસવું ને ડાળને પડવું!!! થયું એવું કે બાબુભાઇને આ વિચાર આવ્યો…અને બરાબર ત્યારે જ શંકર પાર્વતીનું રથમાં ફરવા નીકળવું!!! આમ તો રોજ તો એ લોકો સાંજે… સૂર્યાસ્ત સમયે ઇવનીંગ વોકમાં(એ યે પાછા રથમાં)ફરવા નીકળે…પણ આજે પાર્વતીજીને તૈયાર થતાં થોડીવાર લાગી ગઇ.તેથી ફરવા નીકળવામાં થોડુ મોડુ થઇ ગયું.અને તેનો ફાયદો થઇ ગયો આપણા બાબુભાઇને!!!તે હજુ વિચારતા જ હતા કે પોતે સ્ત્રી હોત તો કેવું સારું થાત!!!
અને એ પાર્વતીજી સાંભળી ગયા…તેમણે તો તરત શંકર ભગવાનને વિનંતિ કરી,”સ્વામી,આ તમારા બાબુભાઇની ઇચ્છા પૂરી કરો.બિચારો કેટલા વરસથી દર સોમવારે એકટાણા કરે છે!!!”
:અરે, એ તો પોતાની તબિયત માટે કરે છે!!!એ એકટાણા કરે કે દસ વાર જમે મને શું ફાયદો?”મને શું ફરક પડે?”
:ના,એ કંઇ હું ન જાણું!!તમે મારું આટલું યે માન ન રાખો?”
શંકરજીએ ઘણી ના પાડી…”અરે,માણસના મનમાં જેટલી ઇચ્છાઓ જાગે એ બધી જો પૂરી થવા માંડે ને તો તેના દુ:ખનો પાર ન રહે!!!”
પણ સ્ત્રી હઠ આગળ કોઇનું ચાલ્યું છે!પાર્વતીજીની સ્ત્રી હઠ આગળ ઝૂકીને અંતે ભગવાને “તથાસ્તુ” કહેવું પડયું.ને મનોમન બોલ્યા..”જેવા તારા નશીબ !!!ખોટી ખોટી…સમજયાવિનાની ઇચ્છાઓ ન કરતો હો તો!!!હવે તારા ઇચ્છ્યા તું ભોગવ!!” બબડતા ભગવાને તો રથ મારી મૂકયો!! વળી પાર્વતીજી બીજુ કંઇ સાંભળી જાય તે પહેલા ઘરમાં..કૈલાસમાં ઘુસી જવું સારું!!!
સવાર પડી!!!બેલનો જોરદાર અવાજ સાંભળી બાબુભાઇ…(સોરી હવે રોલ બદલાઇ ગયો છે!!બચીબેન બનેલ બાબુભાઇ એમ સુજ્ઞ વાચકોએ સમજી લેવું.બાબુભાઇનો આ નવો અવતાર જ સમજવાનો!!!)
હં…તો બાબુભાઇ સફાળા જાગી..અંખો ચોળતા ચોળતા દૂધ લેવા દોડયા!!!આ દૂધવાળો યે અત્યારમાં કયાં ગુડાણો? ”કેટલું દૂધ આપું?”
“અરે,ભાઇ,જેટલું આપતો હોય એ આપી દે ને!!! સવાર સવાર માં આ શી માથાકૂટ?
હજી પાછા થોડીવાર સુવાનો વિચાર કરે ત્યાં તો બચીબેન વદયા…(અત્યારે એ આપોઆપ રાજા પાઠમાં એટલે કે બાબુભાઇના રોલમાં આવી ગયા હતા ને?)
અરે,સૂતા કયાં?પાણી ચાલ્યુ જશે તો આખો દિવસ હેરાન થવું પડશે!!!જલ્દી પાણી ભરી લો.” હેં? આ વળી પાણી યે મારે ભરવાનું?”પણ વાંધો નહીં એમ હિમત થોડી હારી જવાય?પછી તો આખો દિવસ આપણા હાથમાં જ છે ને?દુકાને કયાં જવાનું છે?એમ વિચારી હિમત રાખી પાણી ભર્યું.જોકે કેમાં ભરવું ..કેટલું ભરવુ? કઇ રીતે ભરવું?એ બધી માહિતીનો અભાવ હોવાથી…પીવા જેટલું માંડ ભરી શકયા.
અને પછી તો કામની જે વણઝાર વણથંભી ગતિથી ચાલી..બાબુભાઇ તો મૂંઝાઇ જ ગયા.છોકરાઓને તૈયાર કરીને સ્કૂલે મોકલવા..નાસ્તાના ડબ્બા ભરવા…દૂધ પીવડાવવા!!! બાપ રે બાપ!!!રોજ તો પોતાને તૈયાર નાસ્તો કેવો ગરમાગરમ મળી જતો હતો!!!
કામવાળી બાઇ યે આવી અને રસોઇવાળી પણ આવી..તેને થયું કે હવે નિરાંત!!!પણ…બંને પૂછી પૂછીને માથુ ખાઇ ગયા.શું કરવું..કેમ કરવું?કેટલું કરવાનું?અને પાછુ તેના પર ધ્યાન રાખવાનું!!!
માંડ માંડ નહાવાનો કે નાસ્તો કરવાનો સમય મળ્યો.પણ મજા ન આવી.રોજ તો કેવું છાપુ વાંચતા વાંચતા નિરાંતે ચા પીવાતી હતી!!!અને વચ્ચે પાછી કંઇ ને કંઇ ફરમાઇશ પણ ચાલુ રહેતી.કેટલી વીસે સો થાય છે તે આજે જ ખબર પડી!!!પણ હવે શું થાય?હાથના કર્યા હૈયે વાગ્યા..કોને કહે?
વળી પાછુ બપોર થતા છોકરાઓ સ્કૂલેથી આવતા તેમને જમાડવાની અને પછી તો લસન કરાવવાની જે ધમાલ ચાલી….તે અનુભવીને બાબુભાઇની આંખમાં તો પાણી આવવાના જ બાકી રહી ગયા! અરે,આ સમયે તો કેવા મજાના ટેસથી નસકોરા બોલાવવાના હોય રોજ…અને આજે…આજે…???અને ઉઠીને ગરમાગરમ તૈયાર ચા પી ને આરામથી ટહેલતા ટહેલતા..દુકાને જવાનું.!!!
અને સાંજ થઇ ત્યાં સુધીમાં તો બાબુભાઇ…હવાયેલા પાપડ જેવા થઇ ગયા!!!ફુગ્ગામાંથી જેમ બધી હવા નીકળી જાય તેમ બાબુભાઇના આખાયે તન ,મન માંથી હવા નીકળી ગઇ.તેને થયું ..હે ભગવાન ન ખપે મને..આ સ્ત્રીનો અવતાર ન ખપે મને….!!!હું જે હતો તે જ બરાબર હતો!!! આ ઉપાધિ કયાં વહોરી લીધી!!!!
અને બાબુભાઇ નશીબના બળિયા…તે ફરી એકવાર પાર્વતીજી આજે તો બરાબર ટાઇમે ફરવા નીકળ્યા..અને બાબુભાઇનો કરૂણ આર્તનાદ સાંભળી…પાર્વતીજી ને તો સ્વાભાવિક જ દયા આવી ગઇ.!!! અને તેમણે ભગવાન શંકર સામે જોયુ!! અને તેની દ્રષ્ટિમાત્રથી સાનમાં સમજી ગયેલ ભગવાને પત્નીના કહેવાની રાહ જોયા સિવાય “તથાસ્તુ”નો આશીર્વાદ જલ્દી જલ્દી આપી દીધો.અને એવી તો ઝડપથી રથ ભગાવ્યો કે વહેલો આવે કૈલાસ!!!
અને બાબુભાઇ બબડતા હતા…”હે ભગવાન હવે ભુલથી યે કોઇ દિવસ આવો વિચાર સુધ્ધાં નહીં કરું!!!”
અને એનો બબડાટ સાંભળી બચીબેન જાગી ગયા,”શું એકલા એકલા બબડો છો?ઉઠો ..ચાલવા નથી જવું?”
અને બાબુભાઇ આંખ ચોળતા ચોળતા ફટ દઇ ને ઉભા થઇ ગયા!!!ઓહ!! તો એ બધું સપનુ હતું!!!!!
અરે,બાબા, સપનામાં યે દૂધ લેતા આટલી તકલીફ પડતી હતી..તો એના કરતા ચાલવા જવું શું ખોટું?
અને તે દિવસથી બાબુભાઇ ચાલવા જવામાં કયારેય આળસ કરતા નથી કે કયારેય ભૂલથી તે બોલતા નથી કે બચીબેન ને કેવા જલસા છે!!! વળી પાછા પાર્વતીજી કયાંક સાંભળી જાય તો?મરી જવાયને?
સાર:- સાંજ પડયે…પાર્વતીજી ના ફરવા જવાના સમયે સુજ્ઞ વાચકોએ આવા ખોટા વિચારો કરવાની ભૂલ કરવી નહીં!!!!થોડું કહ્યું..ઝાઝુ સમજી વાંચશો!!!!આભાર.
નીલમ દોશી.

હા હા હા …..
મજા આવી ગૈ…
આભાર.
Bhagavane je sthiti sarji te aapane maate shreshthaj chhe. tevu babubhai jem samajya tem dark samaji jay to dukh dharati parthi gaayab thayi jaay.
vah kevu pade
maja avi gaye!
પ્રભુએ જે સ્વરૂપ આપ્યું છે તેનો આનંદ અનેરો છે તે સમજીને રહીએ તો ચોમેર આનંદ જ છે ને !