ભેટ આપવી છે? November 30, 2006
પૃથ્વી ગોળ છે..તેવું તો નાનપણથી ભૂગોળમાં ભણ્યા હતા.અને એની સાબિતિઓ પણ ગોખી ગોખી ને થાકી ગયા હતા.આજે આટલા વરસો પછી એક સાબિતિ ઘેર બેઠા આવી.(ઘેર બેઠા ગંગા ની જેમ ઘેર બેઠા પૃથ્વી ગોળ હોવાની સાબિતિ) ક ઇ રીતે?
લ્યો,તંયે માંડીને વાત કરું… વાત જાણે એમ હતી કે..એકાદ વરસ પહેલાં અમારા એક સંબંધીને મેં તેના જન્મદિવસે એક ભેટ આપી હતી..આજે એ જ ભેટ ફરી ફરી ને તેના મૂળ માલિક પાસે આવી ગઇ હતી!! જોકે આમ તો મૂળ માલિક તો ન કેવાય….કેમકે મારી પાસે એ કોની આવી હતી..એ આજે તો મને યાદ પણ નથી.પણ બાઇ બાઇ ચારણી ની જેમ એ ન જાણે કેટલા ઘર ફરી ફરી ને અંતે મારી પાસે પહોંચી હતી.!!!!
નહીંતર તો કદાચ મને એમ થાત કે એના જેવી જ બીજી હશે…બજારમાં એવી જ બીજી વસ્તુ ન મળતી હોય તેવું થોડુ છે?પણ…..આ તો થયું એવું કે આ જે સંબંધીએ મને આપી હતી..એ બહેન લાગ્યા મારી જેમ ભૂલકણા…કેમકે ઉપરથી તો પહેલાના બધા ચીટકા તેમણે કાઢી નાખ્યા હતા…પણ મેં તો છેક નીચે યે એક ચીટકુ મારા નામ નું લગાવેલ…જે કદાચ કોઇને દેખાયું નહોતું અને તેથી જ એ મારી પાસે ફરીથી હરખાતા હૈયે આવી ચડી હતી. આ તો મારા ભઇ…(કે બેન…)પ્રેમની વાતુ છે…દલડાની વાતુ આમેય ન્યારી..!!!!.
અને મારી આ ભેટ ઘણાં હાથમાં ફરી આવ્યાનો અનુભવ લઇ ને આવી હતી..એ તો તેના હાલ હવાલ પરથી જ દેખાઇ આવતું હતું.અને આજે જયાંથી આવી હતી..તેને તો મેં ન’તી જ આપી.. એટલી તો મને પાક્કી ખબર છે.અને બિચારું તેનું બોક્ષ તો મરવાના વાંકે જીવી રહ્યું હોય તેવું મરણતોલ હાલતમાં હતું.બધાએ તેને નવા નવા કપડા ઉપર સરસ મજાના…લાલ..લીલી જરી વાળા જરૂર પહેરાવ્યા હતા.પણ માંયલો બદલાવવાની હિમત કદાચ કોઇએ ન’તી કરી..કે પછી એવી જરૂર નહીં લાગી હોય….!!!પણ સો વાતની એક વાત….આ બિચારીને કોઇ સંઘરતું નહોતું એ પાક્કુ!!!દહેજ કદાચ પૂરુ નહોતું પડયું.!!!!
ખેર! એ જે હોય તે…..!આપણે શું?જાજી વાતે ગાડા ભલે ભરાતા હોય…. મારે પાના નથી ભરવા!!! મારે તો વાંચનારનો યે વિચાર કરવાનો ને??એટલી બધી દયાહીન હું ન થઇ શકું.પેલા દયાહીન નૃપની જેમ!!!કવિ કલાપી વાળા!!!
પણ આ જોઇને મારા મગજમાં એક (બાય ધ વે…હમણાં જ મેં સી.ટી.સ્કેન મગજનું કરાવ્યું છે…અને હાશ!!!! મને તો બીક હતી..કેમકે મારા છોકરાઓ તો એ માટે હમેશા શંકાશીલ રહેતા.પણ ભલુ થજો એ ડોકટરનું કે જેણે સાબિતિ આપી દીધી કે મારે યે મગજ છે…અને એ યે પાછા એક નહીં.. બે…બે…..)
હા…સોરી સોરી…હું જરાક આડી વાતે ચડી ગઇ…!!!આમ તો મને એવી ટેવ નહીં..આડી અવળી વાતો કરવાની…પણ આ તો મુખ્ય વાત હતી ને?મારે પહેલેથી કહી દેવું સારું કે ભઇ..(પાછુ..આ ભઇ જ કેમ આવી જાય છે?હું પોતે બેન છું તો યે? કદાચ …એટલે જ…..)મારે મગજ છે..તો એની ચિંતા નહીં
કરતા… હા….તો આપણે શેની વાત કરતા હતા?
ઓહ…હા..ભેટની…ગીફટની…. હં..તો આ મારી જ વસ્તુ મને પાછી આવેલ જોઇને એક સરસ વિચાર આવ્યો.(મને પાછા વિચારે ય આવે ને..એ યે પાછા સરસ હો!! જેવા તેવા નહીં!!!)
હં..તો મને થયું કે ભેટ લેવા ના….સોરી..લેવાના નહીં…ભેટ દેવાના નિયમો ઘડવા જોઇએ….જેથી કોઇ બિચારાને તકલીફ ન થાય!!આમે ય હું રહી પહેલેથી પરદુ:ખભંજન..પારકાના દુ:ખે દુ:ખી થનાર!!!તો ભેટ દેવાના ચોક્કસ નિયમો…બંધારણ હોવું જોઇએ…એવું તમને જરૂરી નથી લાગતું?
આમેય ભેટ દેવામાં મજા આવતી હોય તેવા કેટલા?મોટે ભાગે તો દેવી પડે તેમ હોય…ખરાબ ન લાગે અને વહેવાર નિભાવવા પડે માટે જ દેવાતી હોય છે ને?અહીં આપાણે એવી ભેટની જ વાતુ કરીએ છીએ ને?બાકી દિલથી દીધેલી ભેટુ થોડી પાછી આવતી હશે?એની થોડી કિમતુ જોવાતી હશે?એમ તો મને યે થોડી થોડી ખબર પડે છે..એવું તમને યે હવે નથી લાગતું?
બસ..બસ..હવે મને લાંબી વાતુ ગમે જ નહીં આપણે તો ટૂંકું ને ટચ…એમાં માનવાવાળા!!!તાવ આયો ને ટપ મૂઓ..એની જેમ!!અરે મારા ભઇ,(વળી પાછું,…સોરી..આદતસે મજબૂર…)મૂઓ ઇ વળી મૂઓ…કેમ ને કયારે…તેની લપ મેલ ને!!!તારે રોટલાથી કામ કે ટપટપથી?હવે ઇ વાલીડો પાછો આવે તો કેજે…ગયો ઇ ગયો..જમરાજાને ઘેરથી કોઇ પાછુ આવ્યું છે?એટલે એની ચિંતા મેલ..મારી બેન…..(હાં હવે સાચું આવ્યું ને?)
હં તો મને થયું કે આ ભેટ દેવાનું એક બંધારણ…નિયમો..નક્કી કરી નાખવા સારા!!
અને કયું છે ને કામની શરૂઆત કોઇ ન કરે તો જાતે કરવી સારી.વાતુ તો બધાય કરે,..કામ કરવાવાળા તો મારા જેવા કોક જે નીકળે..જે બોલ્યા ચાલ્યા વિના મૂંગા મૂંગા કામ જ કરે.ગીતામાં ભગવાન કૃષ્ણે યે એજ કયું છે ને..કર્મ કર…ફળની આશા ન રાખ.તો હું યે ફળની આશા રાખ્યા સિવાય…કોઇ ને આ બંધારણ કામ લાગશે કે નહીં એ વિચાર કર્યા સિવાય…નિયમો ઘડવાનું કામ ચાલુ કરી દઉં.
અરે મારા ભઇ,, આડી અવળી વાતુ મૂકી ને હવે મને કામ શરૂ કરવા દો તો સારું.તમારે ઠીક છે..ખાલી વાતુ કરવી છે..કામ તો મારે કરવાનું છે.અને બંધારણ ઘડવું કંઇ સહેલી વાત છે?પૂછી જુઓ..પેલા આંબેડકર સાહેબ ને..?કેટલી વીસે સો થયા હતા…અને તો યે પાછા કેટલા સુધારા આજ સુધી કરવા પડે છે?એટલે મારે તો કામ કરવું એ પેલેથી સારું કરવું… થોડી વાર ભલે લાગે…પણ પાછળથી લપ મને ન પોષાય
હં તો શેનું બંધારણ ઘડવાનું હતું ?આ તમારી લપ માં હું તો એ જ ભૂલી ગઇ!!!!લાવ બે બદામ ખાઇ લઉં.મારી યાદશક્તિ આમે ય હમણાં નબળી પડતી જાય છે…અને પાછી પેલી ચીબાવલી શીલા કહેશે….તમારી ઉમર થઇ ને?જોઇ મોટી ઉમરવાળી…હજી તો અડધે યે નથી પહોચી.પુરુ કેટલાયે થાય ..તે ન પૂછતા હો!! આમેય કેનારે કયું જ છે ને સ્ત્રીની ઉમર અને પુરુષનો પગાર નહીં પૂછવાનો!!!બંને ખોટું જ કેવાના!!!!
આમેય મને તો જોકે એવી પંચાત ગમે જ નહીં..અને એમાં યે મારી વાત હોય ત્યારે તો જરાયે ન ગમે!!!!
ચાલો…હવે કામ શરૂ..હા તો નિયમ નંબર …
1) જો કોઇની આવેલ ભેટ જ પાછી દેવી હોય તો ખાસ સૂચના,,,નીચે ,,ઉપર આજુ બાજુ..ચોતરફ બરાબર જોઇ લેવું.કયાંય નામ લખેલ રહી નથી ગયું ને?આ જો આજે દેનારે એ ભૂલ કરી નાખી..એમાં મારે આ આખું બંધારણ ઘડવા બેસવું પડયું..કે મારી જેમ કોઇ બીજુ હેરાન ન થાય….કેમકે હું રહી….
2) હવેથી ભેટ હમેશા પ્લાસ્ટીક ના બોક્ષમાં જ પેક કરાવવાનો આગ્રહ રાખવો..જેથી ગમે તેટલા હાથમાં ફરે તોયે વાંધો ન આવે.
3) બને તો બોક્ષ ઉપર જ લખી નાખવું કે અંદર છે શું..અને અન્દાજે કેટલી કિમતનું છે..રેન્જ લખી નાખો તો યે ચાલે.જેથી લેનારને એ પછી કોને આપવી તે નક્કી કરવું સહેલું પડે.
4) ભેટ ભલે પાંચ રૂપિયાની હોય…પણ ઉપરનું રેપર જેવું તેવું કયારેય નહીં ચલાવવાનું.એમાં કંજુસાઇ સારી નહીં…આપણે એયે કંઇક આબરૂ જેવું તો હોય કે નહીં?
5) ભેટ ઉપર આપણું નામ હમેશા પેન્સીલ થી જ લખવું જેથી બીજી વાર દેનાર ને છેકવું સહેલું પડે.
6) અને ઉપર કાર્ડ એવી રીતે લગાવવું કે સહેલાઇથી પાછું ઉખેડી શકાય.
7) એવી સર્કયુલેશન વેલ્યુ ધરાવતી ભેટનો બને તો એક અલગ જ કબાટ રાખવો(મારી જેમ)જેથી અચાનક ગોતવી હોય તો સહેલું પડે.( આ સૂચના મારી પરમ મિત્ર લતા હીરાણી તરફથી આવે છે.જે માટે હું તેની આભારી છું.અમૂલ્ય સૂચન બદલ.આપ સૌના સૂચનો પણ આવકાર્ય છે.)
બને તો પાર્ટીનું આમંત્રણ આપતા કાર્ડમાં જ સૂચના લખી નાખવી..કે ભેટમાં કઇ કઇ વસ્તુ આપવાનું એલાઉડ છે?બને તો એક લીસ્ટ જ સાથે સામેલ કરી દેવું.(પરદેશમાં જોઇ આવો ..તો ખબર પડે….)
થોડું લખ્યું જાજુ કરી ને વાંચજો…..મને બહું લાંબી લપ કરવાની ટેવ નહીં.
બાકી ના નિયમો સૌએ પોતાની સગવડ અને જરૂરિયાત પ્રમાણે ઉમેરી લેવા ભાવભરી વિનંતિ.આભાર.
નીલમ દોશી.

મારી ખાનગી વાત જાહેર કરી દીધી !!
મનેય બહુ વાતો કરવી ગમે નહી એટલે ટુંકમાં કહી દઉ કે આ બંધારણના ઘડવૈયા ને અભિનંદન…
સરસ લેખ
શનિવારે વાંચું છું. શનિવારની સવાર સુધરી ગઇ. હસી હસીને પેટ દુખી ગયું.
અમેરીકામાં ગીફ્ટ કાર્ડ આપવાનો રિવાજ સારો છે.
આંટી, અમારી આવી ખાનગી કરતૂતીને જાહેર ના કરો હોં!!
પછી આ વાંચીને તમારી જેમ કોઇ છૂપી જગ્યાએ લેબલ લગાવી દેશે તો અમે ખાનગીમાં ઉઘાડા થઇ જઇશું!
ખૂબ મઝા આવી ગઇ…. તમે હાસ્ય લેખો લખવાનું વધારે રાખો… મઝા આવે છે!
khub saras