વેડીંગ એનીવર્સરી ઉજવવી છે?

નાનપણથી જ આપણા બાબુભાઇ ખૂબ મહત્વાકાન્ક્ષી!! સ્વપ્નસેવી હતા.અને થોડી મહેનત અને વધુ નશીબે તેમને યારી આપી.અને સાવ સામાન્ય સ્થિતિમાંથી તે આજે એક ઉધ્યોગપતિ બની ચૂકયા હતા અને “ નાણા વગરનો નાથિયો નાણે નાથાલાલ” બની જાય તેમ કાલનો “બાબુડો” આજે બાબુભાઇ શેઠ બની ગયા.અને ધીમે ધીમે પાર્ટીઓ આપતા અને પાર્ટીઓમાં આમંત્રણ મેળવતા પણ થઇ ગયા.થોડી હાઇ સોસાયટીની એટીકેટ પણ હવે તો શીખી ગયા.

પણ બચી બેનનું શું?એ તો ગામડાની ગરીબ પટલાણી…અને લગભગ કાળા અક્ષર કુહાડે માર્યા જેવી સ્થિતિ.!!બહારની દુનિયાથી સાવ અજાણ.

બાબુભાઇ ને થયું,,,આ ઠીક નહીં.ને આમેય હવે લોકો પણ પત્ની ને સાથે લાવવાનો આગ્રહ કરતા હતા.તેને થયું કે પટલાણી ને પણ હવે બહાર કાઢયે જ છૂટકો!!

એવામાં અચાનક એક જગ્યાએથી વેડીંગ પાર્ટીનું આમંત્રણ આવ્યું.જયાં બંને જવુ જ પડે તેમ હતું.બાબુભાઇએ ઘેરથી નીકળતા પહેલાં બચીબેન ને શકય તેટલી સૂચનાઓ આપી..ને બહુ અતડા ન રહેતા..બધા સાથે હસવું બોલવું ને ન ખબર પડે તો બીજાઓ જેમ કરતા હોય તેમ કરવાનું.એમ સમજાવ્યું.

બચીબેન એમ તો પાછા જબરા આત્મવિશ્વાસુ.એમ કંઇ પટલાણી કોઇથી ગાંજયા જાય તેમ નહોતા જ.ભણ્યા નહોતા ..તો શું થયું?તેમણે બાબુભાઇને કહ્યું,”તમતમારે ઝરીયે ચંત્યા ન કરો.એમ તો હું સન્ધુ યે ફોડી લઉં તેમ છું હોં!
અને બાબુભાઇ પહોંચ્યા સજોડે પાર્ટીમાં!!જતાવેત જ હેલ્લો…હાય…હાઉ આર યુ….આવું બધું સાંભળી ને બચીબેન જરાક ઘાંઘા તો થઇ ગયા.પણ બાબુભાઇએ એક બાજુ લઇ જઇ સમજાવી દીધું કે “આ બધા કેમ છો..એમ જ પૂછે છે…બીજું કંઇ નથી.”

બચીબેન કહે,”હોવે…તંયે ઇમ કહોને!!!હજુ બાબુભાઇ આગળ કંઇ પાઠ ભણાવે તે પહેલાં કોઇ તેને બીજી બાજુ ઢસડી ગયા.

અને હવે બચીબેન આ “પાર્ટીસાગર”માં એકલા તરવા તૈયાર થયા!!તે તો માંડયા ઘૂમવા!

અને બધાના હાય…હાઉ આર યુ ના જવાબમાં ફેંકવા માંડયા,

”હા…હા…હું તો એ ય ને મજામાં છું.(હવે તેમને ખબર પડી ગઇ હતીકે બધા શું પૂછે છે..તેથી નિરાંત હતી!!!)લીલાલહેર છે.તમે સન્ધાય મઝામાંને?ઘેર સન્ધાય સાજા નરવા ને?”

અને બધાને પડી ગઇ મજા!!પછી તો એક કાનેથી બીજા કાને વાત જતાં બધા જાણી જોઇને બચીબેન ની આજુબાજુ મંડરાવા લાગ્યા..અને બચીબેન સીક્ષર મારવામાં કંઇ પાછા પડે તેમ હતા જ નહીં

“હોવે હોવે…હું મઝામાં..આ તમ સંધાયનો આવો ભાવ જોઇને હું તો રાજી રાજી થઇ ગઇ !આવી પાલટી એક ‘દિ અમારે બંગલે યે રાખવી છે હો! તમને સંધાયને બોલાવશું હોં!! હું તો તમુને ની ઓળખું પણ અમારા ઇ તો ઓળખે ને?સઉએ આવવાનું છે હોં.અને તમારા છૈયા છોકરા સંધાય ને સાથે લાવવાના છે.અતારથી કહી દઉ છું.”

બચીબેન તો રંગમાં આવી ને પાર્ટીની જાહેરાત પણ કરી દીધી.!

”તમારી વેડીંગ એનીવર્સરી કયારે છે?”

હવે આ વળી કઇ બલાનું નામ છે?એ બચીબેન સમજી ન શકયા.પણએક જણીએ વળી ફોડપાડયો,

”બચીબેન,તમારા મેરેજ ને …એટલે કે લગનને કેટલા વરસ થયા?એમ પૂછે છે?”

ઓહ!!!બચીબેને તો માંડી ગણતરી!”જુઓને આ અમારી બબલીને બાર વરહ થીયાને લગન પછી તરત મુને દાડા રયા’તા…..એટલે…..ઇમ સમજોને તેર વરહ તો સાચા જ!”

ખડખડાટ ફરી વળેલ હાસ્યના મોજામાં બચીબેન પણ જોડાઇ ગયા.

વળી એકે પૂછયું,” બચીબેન.તમે જરાયે ભણ્યા નથી?”

ના…હો…ઇમ તો નિશાળે મારા બાપાએ મૂકી હતી.પણ અમારા ગામડામાં જાજુ ભણતર ની મલે.ને આમેય ચૂલો જ ફૂંકવાનો ને બૈરાને તો! હાચુ ને?પણ મને સહી કરતા તો હજી યે આવડે છે હોં!હા,મારી છોડી ને ઓલી અંગ્રેજીની નિશાળમાં જ મેલી છે….ઇ તો મારી વાલી એવી ગોટપીટ કરે સે ને!!!મને તો કંઇ સમજાય નહીં.”

બચીબેને નિખાલસતાથી ફોડ પાડયો.

હજુ આગળ વાતો ચાલે તે પહેલાં કેક કાપવાની જાહેરાત થતાં સૌ એ ઔપચારિકતામાં પડયા…અને વાત ત્યાં અટકી.અને શુભેચ્છાઓની આપ લે પૂરી થયા બાદ કોઇ ટીખળી… યજમાન દંપતિના કાનમાં ન જાણે શું કહી આવ્યું તે ખબર ન પડી…પણ…

અચાનક માઇક પરથી જાહેરાત થઇ કે”હવે શ્રીમતી બચીબેન લાકડાવાળા આપ સૌ સમક્ષ એમના લગ્ન ના રોમાંચક અનુભવો રજૂ કરશે…પ્લીઝ બચીબેન કમ ઓન ધ સ્ટેજ…..”

 બચીબેન કંઇ સમજયા નહીં…પણ એકાદ બે એ તેને સમજાવ્યું કે તમને ભાષણ આપવા બોલાવે છે.” (બાબુભાઇ તો બિચારા આ જાહેરાત કેમ થઇ…સમજી જ ન શકયા.ડઘાઇ જ ગયા.)

બચીબેન કહે,”મને ભાષણ –બાષણ આપતા ની ફાવે”

“અરે, તમારે બીજું કંઇ નથી બોલવાનું ખાલી તમારા લગ્ન કેમ થયા…ને એ બધું કહેવાનું છે”

“ઠીક તંયે…”બચીબેન ને યાદ આવ્યું,,બાબુભાઇએ કયુ’તુ અતડુ નહીં રેવાનું…અને આ આવી પાર્ટીઓમાં આવું જ બધુ હોતું હશે…

 બચીબેન તો રૂમઝૂમ કરતાં સ્ટેજ પર પહોંચી ગયા.આમે ય આજે તેમનો માભો યે કંઇ ઓછો થોડો હતો?ભારેમાયલું બનારસી સેલુ.,,કપાળમાં મોટો ચાંદલો..હાથમાં લાલ લીલી બંગડીઓ નો ઝૂડો..કઠણ મજાનો કચકચાવીને વાળેલ અંબોડો…એમાં પાછો મોટો બધો..ખાસ્સો મોંઘો ગજરો યે લગાવેલ હતો…અને પગમાં છમછમ ઝાંઝરા તો તેઓ વરસોથી પહેરતા આવ્યા હતા!!

બચીબેને તો ઠસ્સાથી કર્યં શરૂ…

”કયારેક ગામડામાં હાથમાં માઇક લઇને કોઇ નેતાને સાંભળેલ હશે..તેથી જોશથી ચાલુ કર્યું,

”ભાઇયુ ને બેનુ., અમારા અનુભવો તમારી જેમ શેર ના ન હોય…પણ અમારા ગામડાના અનુભવો કહીશ..અને પછી તો બચીબેને તો જે છટાથી અને આગવી સ્ટાઇલમાં પોતાના લગ્ન વખતના અનુભવો સંભળાવ્યા…..જે વર્ણન કર્યું……..

બધા હસી હસી ને બેવડ વળી ગયા.અને જેમ અબધા હસે તેમ બચીબેન ને વધારે શૂરાતન ચડે બોલવાનું.પૂરા અડધા કલાકે તેણે મા ઇક છોડયું..બાબુભાઇ બિચારાનું મોઢુ તો જોવા જેવું થઇ ગયું કે આને હું કયાં લાવ્યો?

પણ……… બચીબેનનું વકતવ્ય પૂરું થતાં જોરશોરથી તાળીઓ પડી..અને જયારે પ્રોગ્રામ પૂરો થયો ત્યારે ઘણાં મહેમાનોએ તો યજમાન દંપતિ નો ખાસ આભાર માન્યો..આવો સરસ મીમીક્રીનો પ્રોગ્રામ ગોઠવવા બદલ…અને આ નવા આઇડીયા વડે સૌનું મનોરંજન કરવા બદલ!!
અને પછી તો બચીબેન ને તો આવા આમંત્રણો બધેથી મળવા લાગ્યા.બચીબેન નો પ્રોગ્રામ રાખવો છે હો!!!

અને આજે તો બચીબેન આવા પ્રોગ્રામ માટે હોટ ફેવરીટ ગણાય છે.અને બચીબેન પાસે તો આવા અનુભવો ની ખાણ હતી…અને હવે તો તેઓ પણ સ્માર્ટ બની ગયા છે….અને આજે તો આખું એક ગ્રુપ બનાવી લીધું છે તેમણે….

બધાને મોટી મોટી વાતો કરતા આમાં મજા આવે છે..

કદાચ બધાને પોતાના મૂળિયાની સોડમ આવતી હશે!!!
બાય ધ વે……આપની વેડીંગ એનીવર્સરી કયારે છે?બુકીંગ માટે મળો…

                 નીલમ દોશી.

9 Comments

  1. 1

    એડવાન્સ બુકીંક થાય છે ? :)

  2. 2

    એડવાન્સ બુકીંગ થાય છે કે ? :)

  3. 3
    Lata Hiranil Says:

    બચીબેન નવરા હોય ત્યારે અમે લગ્નતિથિ ઉજવી લેશું !!!!!
    અભિનંદન આવી સરસ વાર્તા માટે….

  4. 4

    sure…amit,just for u.booking thai gayu samaj…now go ahead.all the best

  5. 5
    સુરેશ જાની Says:

    બીજો અંક બહાર પાડો - બચીબેન અમેરીકામાં !
    મઝા આવી ગઇ. અમદાવાદમાં લોકો ત્રણ ગણા ફદીયા આપીને વિશાલામાં કેમ જમવા જાય છે, તે સમજાયું ?

  6. 6

    બચીબેન અમેરિકામાં !!! વાહ!! … દાદા,સીધા આપને ઘેર જ મોકલી આપું?

  7. 7
    Puja Says:

    Mom too good!!! I opened your site to relax a bit from reading for my exams and this really freshened me up…Keep it up….And yes do follow up on the suggestion of the 2nd part of this….

  8. 8

    “કદાચ બધાને પોતાના મૂળિયાની સોડમ આવતી હશે”
    આ એક વાક્યમાં બધુ જ કહેવાઇ ગયુ

  9. 9
    bharat dalal Says:

    Wonderful. Real Humor from the heart; so natural.

    Suggest starting a series of Bachiben!

RSS Feed for this entry

Leave a Comment