પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

યશોદા?દેવકી? October 30, 2006

Filed under: લઘુકથા, સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 7:32 am

અનુશ્રીને કયારેય સમજાતું નહોતું કે મમ્મી આ અંધ શ્યામલીને આટલું બધું મહત્વ કેમ આપે છે?અંધ છે તો ઠીક છે..થોડી હમદર્દી રાખે..કે કયારેક પૈસાની મદદ કરે…પણ…મમ્મી તો…..

ને આ શ્યામલી યે ખરી છે…ટાણે કટાણે …મહિને- બે મહિને અચૂક આવી જ હોય.અને વાતો તો એવી મીઠી કરે.અનુશ્રી ને તો ખાસ પોતાની પાસે બોલાવે અને માથે હાથ ફેરવે.આમ અનુશ્રી વિચારતી રહેતી. તેને જરાયે ગમતું નહીં.પણ..મમ્મીને લીધે તેની પાસે જવું પડે…બે- પાંચ મિનિટ…

બાકી કયાં એ અને કયાં પોતે?અંધશાળાના અનાથાશ્રમમાં રહેતી એ 45ની આસપાસની સામાન્ય બાઇ…!!! અને પોતે આઇ.એ.એસ. ઓફિસરની એક માત્ર લાડલી પુત્રી!!!

આ મમ્મી યે ખરી છે.!!! આને માથે ચડાવી રાખી છે!તે દિવસે કોલેજમાં પોતાનો પ્રોગ્રામ હતો તો જોવા માટે શ્યામલીને યે સાથે લાવી.પોતાના સ્ટેટસનો યે કંઇ ખ્યાલ નહીં!! ને આમેય શ્યામલી તો કંઇ જોઇ શકે તેમ પણ કયાં હતી?તેને તો ફકત સાંભળવાનું જ હતું ને?અને પપ્પા યે પાછા મમ્મી ની હા એ હા કર્યે રાખે!પોતે મમ્મી પપ્પાની આટલી લાડલી…પણ….શ્યામલીની વિરુધ્ધ કાંઇ બોલાય નહીં!!!

અનુશ્રી મન માં ને મનમાં ગુસ્સે થતી રહી. આજે અનુશ્રીનું રીઝલ્ટ આવ્યું હતું.અનુશ્રી કોલેજમાં ફર્સ્ટ આવી હતી.અને હવી આગળ ભણવા જવા માટે કેનેડા જવાનું નક્કી કર્યું હતું.અનુશ્રી ખુશખુશાલ હતી.તેના બધા સ્વપ્નો પૂરા થયા હતા.મમ્મી પપ્પા પણ કેટલા ખુશ હતા! કાલે તો મુંબઇ જવા નીકળવાનું હતું.આજે સાંજે ઘેર પાર્ટી રાખી હતી.અને તેને ખાત્રી હતી કે મમ્મી તો આ પાર્ટીમાં યે શ્યામલીને બોલાવવાનું નહીં ચૂકે.પણ પોતે આ વખતે તેને ભાવ આપવો જ નથી ને!!!

અને તે સાચી હતી.શ્યામલી ને તો મમ્મીએ સૌથી પહેલાં વહેલી બોલાવી લીધી હતી.ને કયારની તેની સાથે ઘૂસપૂસ કરતી હતી!!અને તેને પોતાના વિષે બધી વિગતવાર વાત કરતી હતી.અનુ નું શું રીઝલ્ટ આવ્યું અને હવે કયાં….કેમ ભણવા જવાની છે…શું ભણવાની છે..એનાથી શું ફાયદો થાય……આ બધું એ ગમાર શ્યામલી ને સમજાવવાની શું જરૂર હતી?

હજુ એ વિચારતી હતી..ત્યાં જ મમ્મીએ અનુશ્રીને જોઇ ને તરત બોલાવી ,”અનુ,અહીં આવ તો બેટા,જો શ્યામલી આંટી તને આશીર્વાદ દેવા આવ્યા છે.આવ,બેટા,ચાલ,આંટી ને પગે લાગી ને આશીર્વાદ લે.તને એણે નાનપણ માં ખુબ પ્રેમથી રમાડી છે..મેં તને વાત કરી હતી ને? …હા,ખબર છે..ભાઇ…આ બધી વાત મમ્મી પાસેથી કેટલીયે વાર સાંભળી લીધી છે.પણ..શ્યામલીને પગે લાગવાનું?અનુશ્રી તો સાંભળી જ રહી.તેના મોં પર સ્પષ્ટ અણગમો દેખાઇ આવતો હતો.”મમ્મી…’ તે કંઇક કહેવા ગઇ.

પણ મમ્મી સામે નજર પડવાથી તે બોલી ન શકી.મમ્મી તેનો અણગમો સમજી તો ગઇ હતી..પણ…સમજયું ..ન..સમજયું કરી…તેણે ધીમેથી પણ પૂરી મક્કમતાથી ફરીવાર કહ્યું,બેટા,શ્યામલી આંટીને પગે લાગે ને આશીર્વાદ લે” એ અવાજમં રહેલા આદેશ પારખી..અનુશ્રી મને –કમને જરાક નીચે વળી.

શ્યામલીનો હાથ પરમ વાત્સલ્યથી તેને માથે ફરી રહ્યો.

તેમાં એક” જનેતા” ના આશીર્વાદ છૂપાયેલ હતા…તે અનુશ્રી કયાંથી સમજી શકે?

હા,યશોદા તો અનુશ્રીની મમ્મી જ બની હતી ..પણ….પણ….દેવકી તો શ્યામલી જ હતી…એની અનુશ્રીને તો કલ્પના યે કયાંથી હોય?

                                                નીલમ દોશી.

 

4 Responses to “યશોદા?દેવકી?”

  1. amit pisavadiya Says:

    થોડા સમય પહેલા એક નવલ કથા વાંચી હતી જાણે અજાણ્યે , તેની યાદ આવી ગઇ.
    સરસ લઘુ વાર્તા. અને મથાળુ પણ બહુ જ સુંદર યશોદા ? દેવકી ? .
    આભાર.

  2. સુરેશ જાની Says:

    બહુ જ સરસ વાર્તા. છેલ્લુ રહસ્ય ચોટદાર નીકળ્યું. અને વિચારતો થઇ ગયો.

  3. Urmi Saagar Says:

    ખૂબ જ સરસ વાર્તા… અનુશ્રીને સત્યની જાણ કરાવી હોત તો?!!!

  4. રાજ Says:

    જાણ્યે અજાણ્યે ક્યારેક આપણે આપણી સાથેજ અન્યાય કરી બેશીએ છીએ.

Leave a Reply