સમયની સાથે….

છેલ્લા બે દિવસથી શીલાબહેન ગુમસૂમ બની ગયા હતા. બહારથી બિલકુલ મૌન. પણ અંદર તો જાણે વિચારોનું મહાભારત ચાલતું હતું. હકીકતે સ્નેહા નો પ્રસ્તાવ હતોજ એવો …ખળભળી જવાય તેવો. 55 વર્ષની ઉંમરે લગ્ન ?

અમેરિકમાં ભલે એ બધું સામાન્ય ગણાતું હોય…પણ પોતે મૂળથી થોડા જ અમેરિકન હતા ? થોડાં વર્ષો અમેરિકા રહ્યા એટ્લે ભારતીય થોડા મટી ગયા હતા ? આ ઉંમરે તે કંઇ ફરીવાર આવો વિચાર કરાતો હશે ? સ્નેહા તો ગાંડી છે…નવા જમાનાની છે. એટ્લે આવું બધું વિચારે. પણ પોતાને થોડું આ બધું શોભે ?

હા, એમ તો પોતાના જમાનામાં પોતેય નવા જમાનાના જ ગણાતા હતા ને ? ભણેલા – ગણેલા ને સુધરેલા !! આજે ભલે જૂનવાણીમાં ખપતા હોય…લોકો શું કહેશે ? તેનો ત્યારેય બહું વિચાર નહોતા કરતા. પણ ત્યારની વાત જુદી હતી …પતિનો સાથ હતો, સહ્કાર હતો. આજે નસીબે તેમને દીકરાના ઓશિયાળા બનાવી દીધા હતા, ને દીકરો કદાચ ગ્રીન કાર્ડવાળી વહુનો ઓશિયાળો બની ગયો હતો !!!

ને પોતે જીવનના સંધિકાળે એક અજબ અસમંજસમાં આવી ગયા હતા. સ્નેહાની વતો મનમાં પડ્ઘાતી હતી અને મનોમન પોતે જ તેનો પ્રતિકાર પણ કર્યે જતા હતાં.

“ આંટી, મને યે ખબર નથી પડ્તી કે હું તમને કઇ રીતે વાત કરું ? શાલિન તો એક મહિનાથી મારી પાછ્ળ પડ્યો છે, ને મને યે એની વાત સાચી ને સારી લાગે છે. એટ્લે કહેવાની હિંમત કરું છું. તમે મને દીકરી જેવી માની છે, ને હું તમારી પરિસ્થિતિ બધી જોઇ ચુકી છું. તમે ભલે મોઢેથી દીકરા – વહુનું કાઇં બોલતા નથી,પણ તમારી વ્યથા,તમારી લાચારી, તમારી અક્ળામણ મારાથી છૂપી છે એમ ન માનતા. બે વર્ષથી હું બધી પરિસ્થિતિની સાક્ષી છું. માલાભાભી તમને વૃધ્ધાશ્રમમાં મૂકવા માટે રોજ ભાઇ સાથે ઝ્ઘડે છે, એ હું નથી માનતી તમારાથી અજાણ્યું હોય.

અને આંટી, મારા પપ્પાની પરિસ્થિતિ થોડી જુદી છે, એમને તો દીકરો નથી. જે ગણો તે અમે દીકરી – જમાઇ જ છીએ. શાલિનનો સ્વભાવ ઘણો સારો છે. એટ્લે આમતો પપ્પા ને કોઇ અસંતોષ નથી. તે બોલતા નથી પણ દીકરાને ઘેર કાયમ રહેવાની લાચારી – તેમના જૂના સંસ્કારને લીધે તેમને ખટ્કે છે.

અને મમ્મી ના ગયા પછી – અહીં તે સાવ એકલા પડી ગયા છે.વતનમાં જવા ઝૂરે છે.પણ એને એકલા મૂકવા અમે તૈયાર નથી. આંટી તમે જેમ અંકલ ને ખુબ પ્રેમ કરતા હતા તેમ પપ્પા પણ મારી મમ્મી ને ખૂબ પ્રેમ કરતા હતા. પણ કુદરતને એ ક્યા મંજુર હતું ? ખેર ….!

આંટી, પપ્પાને કોઇ વાત કરવાવાળું- સાંભળવાવાળું…સાથીદાર જોઇએ … આ ઉંમરે બધા માટે એ સ્વાભાવિક છે. કોઇંની હૂંફ મળે તો પપ્પા આજે પણ ઘણુ કરી શકે તેમ છે. આંટી, મને લાગેછે તમને બંનેને હૂંફની – લાગણીની જરૂરછે. તમે બંને સ્વસ્થ છો. એક બીજાને સમજી શકો છો. છેલ્લા બે વર્ષથી એક્બીજાને ઓળખો છો. સુખ – દુખ ની વાતો કરો છો… તો બંનેને કાયમ માટે એક સાથીદાર મળે તો ખોટુ શુ છે ? અમે તેમને પૂરતો સમય આપી શકતા નથી.

આમે ય અમારું ઘર તો ભારતમાં ખાલી જ છે. તમે ને મારા પપ્પા બંને ભારત માટે ઝુરો છો. નજીકના સગાંવહાલાં તો બંનેમાંથી કોઇને નથી. જે છીએ તે અમે છીએ.અને હોય તોય શું ? કદાચ થોડા દિવસ વાતો કરીને, ટીકા કરીને રહી જશે – આંટી પ્લીઝ….તમે હા પાડો – એટ્લે પપ્પને પણ હું સમજાવું…..”

કેટ્કેટ્લું સ્નેહા તો બોલતી રહી હતી. પૂરા બે કલાક…પોતની દરેક દલીલના જવાબ તેની પાસે હાજર જ હતા અને અંતે પોતે વિચારશે એમ કહ્યુ ત્યારેજ ગઇ.

અને ત્યારના શીલાબહેન જાત સાથે વાતો કરતા હતા.પોતેજ ફરિયાદી,પોતે જ વકીલ ને પોતેજ ન્યાયાધીશ્ બની ગયાં હતાં મનની કોર્ટમાં. અને આ કોર્ટની કાર્યવાહી તો રાત-દિવસ વણથંભી ચાલુ રહી હતી. હજુ યે ક્યા સુધી ચાલત!

ત્યા તેને કાને માલાના શબ્દો અથડાયા. આજે ફરી માલાએ ચાલુ કર્યું લાગતું હતું અને સંદીપ હંમેશની જેમ મૌન બનીને સાંભળતો હતો.

“ નહીં, હું કાંઇ ન જાણું. મારે આજે ફેંસલો જોઇએ …અરે, અહીં તો ઘણી સરસ સંસ્થાઓ છે. “

“ પણ – તેં જ તો આગ્રહ કરીને મમ્મી ને અહીં તેડાવ્યાં હતાં. ને એટ્લે તો મમ્મી તારા કહેવાથી ગામનું ઘર વેચીને – બધું કાઢીને – અહીં કાયમ માટે આવેલ.”

“ હા, પણ ત્યારે મને થોડી જ ખબર હતી કે હું જ મારા પગ પર કુહાડો મારી રહી છું ? મને એમકે પિંકી નાની છે, ને આપણે બંને જોબ પર જઇએ તો મમ્મી સાચવે.”

“ હા , તે સાચવી જ ને ? એટ્લે તો આપણને ખબર પણ ન પડી. ન ચિંતા રહી કે ન બેબીસિટિંગમાં મૂકવાનો ખર્ચો – મમ્મી ને તો પિંકી કેટ્લી વહાલી છે !! “

“ પણ હવે તો પિંકી મોટી થઇ ગઇ – સ્કુલે જાય છે.”

“ હા, પણ તેથી શું ?”

સંદીપ શક્ય તેટલી દલીલ ધીમા અવાજે કરતો રહ્યો.

” અરે, મારી હવે લિમિટ આવી ગઇ છે.મમ્મી રોજ પિંકીને કચકચ કર્યા કરે છે. અરે આ એમનુ ગામડું નથી,અમેરિકા છે.પિંકીને ય સેલ્ફ રીસ્પેક્ટ હોય કે નહીં “ ? દેશ તેવો વેશ …પણ મમ્મીને એ બધું સમજાય તેમ નથી.”

સંદીપ મનમાં તો કદાચ સમજતો હતો.હવે જરૂર ન રહેવાથી માલા મમ્મી ને રાખવા નથી માગતી..બાકી મમ્મી તો 7 વર્ષની પિંકીને ક્યાં ટોકવાનાં હતાં ? પણ જ્યારે બહાનું જ જોઇતું હોય – ત્યા કોઇ ઉપાય નહોતો …

સંદીપ મનમાં જ વિચારી રહ્યો. ત્યા માલા ભભૂકી ઉઠી.

” આમ મૂંગા રહેવાથી કંઇ નહીં વળે.આજે તો તમારે ફેંસલો કરવો જ રહ્યો.હવે મારાથી સહન નહીં થાય…કહી દઉ છું.હું જ કાલે કોઇ સારી સંસ્થાની તપાસ કરી આવીશ.

સન્દીપ શું જવાબ આપે છે તે સાંભળવા શીલાબેન મથી રહ્યા.

પોતાનો નિર્ણય પણ તે જવાબ પર જ આધારિત હતો ને?ત્યાં સંદીપનો દબાયેલ અવાજ સંભળાયો,”ઠીક છે હું કાલે તપાસ કરી આવીશ.”

ફેંસલો જાણે થઇ ગયો.!!જે શબ્દ પોતાને નહોતા સાંભળવા…નહોતા સ્વીકારવા..તે સાંભળી શીલાબેન નું સમગ્ર અસ્તિત્વ હચમચી ઉઠયુ.શું પોતે એટલા બધા બોજારૂપ બની ગયા છે?આજે દીકરાના ઘરમાં તેમને માટે જગ્યા નથી!આ જ દીકરા માટે તેમણે આકરી બાધાઓ લીધી હતી?માનતાઓ માની હતી?કે રાત દિવસ ઉજાગરા કર્યા હતા?વિચારોનું પૂર આંસુ બની ને આંખમાંથી છલકાઇ રહ્યું.

અને સવારે દીકરો ફેંસલો કરે તે પહેલાં મા એ જ ફેંસલો લઇ લીધો હતો.જેને જે બોલવું હોય તે બોલે.પોતાને પોતાની જિંદગી જીવવાનો હક્ક છે..પોતે જીવશે…. અને સારી રીતે જીવશે…..

અને એક મહિનામાં તો કોર્ટમાં સહી સિક્કા કરી…મુકુલભાઇની અર્ધાંગના બની તે વતન આવી પહોંચ્યા હતા.અને એકબીજાની હૂંફ વડે નવપલ્લવિત બની “માનવ પરિવાર”જેવી સંસ્થા સાથે જોડાઇ…બીજાના જીવનને પણ નવપલ્લવિત બનાવવા મથી રહ્યા હતા.જીવનને એક નવું જ પરિમાણ મળ્યું હતું.અને બે જિંદગી ધબકી રહી.

                       નીલમ દોશી.

મારી આ વાર્તા “નવચેતન”ના જુન 2006 ના અંકમાં પ્રકાશિત થયેલ છે.

મિત્રો,શું માનો છો?શીલાબેન નો નિર્ણય યોગ્ય હતો કે?કે પછી તેમણે સમાધાન કરી ને દીકરા સાથે જ રહેવું જોઇએ?કે પછી બીજો કોઇ માર્ગ અપનાવવો જોઇએ?આપ શું માનો છો?

5 Comments

  1. 1
    સુરેશ જાની Says:

    તદ્દન યોગ્ય નિર્ણય . હું અમદાવાદના એક મિત્રને જાણું છું , જેમણે 67 વર્ષની ઉમ્મરે લગ્ન કર્યા છે. સહજીવનનો હક્ક અને જરુર અમૂક ઉમ્મરે જ હોય તે માન્યતા ભૂલ ભરેલી છે. સ્ત્રી કે પુરુષને એક બીજા વગર ન ચાલે તે કોઇ છોછ વગર સ્વીકારવું જોઇએ, વધાવવું જોઇએ.

  2. 2

    વાર્તા મા શીલાબેન નો નિર્ણય યોગ્ય લાગ્યો.
    સમય વર્તે સાવધાન.

  3. 3

    યોગ્ય નિર્ણય
    પાછલી ઉંમરે સહયોગ જોઈયે

  4. 4
    Ajay Patel Says:

    એકદમ જ યોગ્ય છે.

    એમની વર્તમાન ની પરિસ્થિતી જોતા તો “જિંદગી ના મળી મન મુજબની” એવુ હતું એના કરતા તો લગ્નનું પગલુ ભરી સ્વમાનભેર રહે તે કંઈ જ ખોટુ નથી.

  5. 5
    Ami Says:

    શીલાબેન નો નિર્ણય તદ્દન યથાર્થ હતો. દિકરાની સાથે રહેવામાં તડજોડ નો પ્રશ્ન જ ક્યાં આવે જ્યારે તેમની પુત્રવધૂને ઘરમાં તેમનું હોવું જ માન્ય ન હોય! તેમણે જે માર્ગ અપનાવ્યો તે તેમને માટે યોગ્ય જ હતો. સ્વમાન ન જળવાય ત્યાં કેમ રહેવાય? મોટી ઉમ્મરે જરુર હોય છે સમજણભર્યા સાહચર્યની, તે પર્યાય તેમને મળે ને એ પોતાનું જીવન આનંદથી જીવી શકે, તો તેમને માટે તે નિર્ણય બિલકુલ યોગ્ય.

    વાર્તા વાંચતાં વાંચતાં મન તથા આંખો આર્દ્ર થઈ ગયાં! ખૂબ ચોટદાર!


RSS Feed for this entry

Leave a Comment