“સાયકોલોજી”
ગોરંભાયેલુ આકાશ તો વરસાદ થી ધોવાઇ ને ક્યારનું ચોખ્ખુ થઇ ગયુ હતું.પણ માયાબેન ના મન ના આકાશ ને ન જાણે કયું ગ્રહણ લાગી ગયુ હતું.!!માયાબેને જાણે પોતાની જાત ને કોશેટામાં પૂરીને બંધ કરી દીધીહતી.જે અલય કે ઇશાની ના લાખ પ્રામાણિક પ્રયત્નો પછી યે ખૂલવાનું નામ નહોતા લેતા.નહીતર દુ:ખ ના,સંઘર્ષ ના દિવસો તો હવે પૂરા થઇ ગયા હતા.તેમના બધાયે સપના સાકાર થયા હતા.
22 વરસ ની યુવાન વયે એક અકસ્માત માં પતિ ને ગુમાવી બેસેલ માયાબેને હિમત હાર્યા વિના ,કોઇ ના સાથ વિના ..એકલે હાથે ઝ્ઝૂમીને ..હસતા હસતા અલય ને જિંદગીનું કેન્દ્ર બનાવી ને જીવનપથ પર ચાલતા રહ્યા હતા,જરા યે થાકયા વિના.સામે અલય ની જિંદગી સરસ બનાવવી એ ધ્યેય હતું.અને વરસો ની સાધના પછી હવે એ ધ્યેય..એ સપનું સાકાર પણ થયુ હતું.
આજે તેનો અલય સી.એ. બની ને સારી કંપની માં સારા હોદ્દા પર હતો .અને બે મહિના પહેલા તેના લગ્ન નો લહાવો પણ હોંશથી લઇ લીધો હતો.ઇશાની ની પસંદગી માયાબેને જ તો કરી હતી.અને એ પસંદગી માં તેણે ક્યાંય થાપ પણ નહોતી ખાધી.અલય અને ઇશાની તેનો પડયો બોલ ઝીલતા.અલયે ઇશાની ને લગ્ન પહેલા જ કહી દીધુ હતું,,”ઇશાની,મમ્મી ના જીવન નું એક્માત્ર કેન્દ્ર હું હતો અને રહ્યો છું,,બસ,તેના હૈયા ને ઠેસ ન પહોંચે એટલી જ મારી તારી પાસે આશા છે.”કહેતા કહેતા અલય પણ ગળગળો થઇ ગયો હતો.સદનશીબે ઇશાની પણ ખૂબ સમજુ હતી.
લગ્ન ના બીજા જ દિવસથી માયાબેન ની ના છતાં ખૂબ ઉત્સાહ થી ઇશાની એ ઘર ની બધી જવાબદારી હોંશેહોંશે ઉપાડી લીધી હતી.અને ઘર માં તો બીજું હતું પણ કોણ?માયાબેન ની તો જાણે કોઇ સ્વતંત્ર ઇચ્છ,સ્વતંત્ર જરૂરિયાત ..હતી જ નહી.તેમણે જિંદગી માં વરસોથી પોતા માટે કંઇ કર્યું જ નહોતું.અલય ના કામ સિવાય તેમને કંઇ ક્યારેય સૂઝતું નહોતુ.
હવે એ કામ…અલય ને જમાડવાનું,તેને ભાવતી રસોઇ બનાવવાનું,તેની વસ્તુઓ વ્યવસ્થિત રાખવાનું ,,તેના કપડા તૈયાર કરવાનું બધુ….બધું જ કામ ..બધીજ જવાબદારી અચાનક ઇશાની એ આવી ને ઉપાડી લેતા માયાબેન જાણે એકાએક નિવ્રુત્ત થઇ ગયા હોય એવી મનોદશા અનુભવી રહ્યા.
ઇશાની ને હોંશ હતી.અલયે રાખેલ વિશ્વાસ સાર્થક કરી બતાવવાની,સાસુ એ આખી જિંદગી ઢસરડો કર્યો છે ,તો હવે એને આરામ મળવો જ જોઇએ.એમ માનતી ઇશાની માયાબેન ની પણ દરેક વાત નો ખ્યાલ રાખતી.કામ કરવાની તેનામાં અજબ સૂઝ હતી.માયાબેન ને ફરિયાદ કરવાનું કોઇ કારણ નહોતુ.માયાબેન પણ તેનો સૂઝકો જોઇ ને ખુશ હતા.અલય ને શું પસંદ છે ..શું નહી..તેનો ખ્યાલ તેને થોડા જ દિવસો માં આવી ગયો હતો.
પણ …..પણ ઉત્સાહ ના અતિરેક માં તે માયાબેન ની માનસિક સ્થિતિ સમજી ન શકી.સાવ અચાનક આવી પડેલ આ નિવ્રુતિ થી માયાબેન જાણે ખાલી થઇ ગયા.આવી પરિસ્થિતિ ની તો તેમને ક્યારેય કલ્પના સુધ્ધા નહોતી આવી.હવે અલય ને પણ પોતાની જરૂર નથી રહી….એવું તેમને લાગવા માંડયું.પોતે કદી કોઇની સાથે ભળ્યા નહોતા.કદાચ એવો મોકો જ ક્યારેય નહોયો મળ્યો.અલય નાનેથી મોટો થયો ત્યાં સુધી તેની બધી સગવડ સાચવવા માં મંદિર જેવી જગ્યા એ પણ નહોતા ગયા..
હવે અચાનક તેનું બધું કામ,બધો હક્ક જાણે કોઇએ આવી ને ઝૂંટવી લીધો હોય તેવું તે અનુભવી રહ્યા.તે મનોમન અકળાતા રહ્યા…પોતાને શું થઇ રહ્યું છે ..શું જોઇએ છીએ…. તે પોતે પણ કદાચ સ્પષ્ટ રીતે નહોતા સમજી શકતા.ને ઘણીવાર તો ઇશાની ઉપર વિનાકારણ ગુસ્સો કરી બેસતા.
અલય ઓફિસેથી આવીને હમેશા પહેલા માયાબેન પાસે જ જતો…વાતો કરતો..છતાં જાણે અલય હવે પોતાનો નથી રહ્યો.એવું તેમને લાગતું.ક્યારેય ગુસ્સે ન થતા માયાબેન હવે વાતવાત માં ચિડાઇ જતા…ગુસ્સો કરતા,,તો કયારેક સાવ મૌન બની જતા.અલય સમજી ન શકતો કે પોતે ક્યાં ભૂલ કરે છે?આવી સ્નેહાળ મા નો સ્વભાવ સાવ અચાનક આવો કેમ બદલાઇ ગયો?
ઇશાની મમ્મી સામે એક અક્ષર નહોતી બોલતી.તેમનો પૂરો ખ્યાલ રાખતી.તેને કંઇ જ કામ ..ચા નો કપ સુધ્ધાં નહોતી કરવા દેતી,તે પોતે જાણતો હતો….જોતો હતો..છતાં?છતા આમ કેમ?ઇશાની પણ મનોમન વિચારતી.
રાત્રે અલય કહેતો,”મમ્મી ને શું થઇ ગયુંછે, ઇશાની?મને તો કંઇ સમજ નથી પડતી.મને લાગે છે …મમ્મી ને કયાંક બહારગામ ફરવા કે જાત્રાએ લઇ જઇએ.”
“હા.આમેય મમ્મી જિંદગી માં ક્યારેય બહાર નથી નીકળ્યા.”ઇશાની એ તરત જવાબ આપ્યો. પરંતુ બીજે દીવસે ફરવા જવાની વાત કરતા જ માયાબેન છંછેડાઇ ગયા.”મારે કયાંય નથી જવું.મને પડી રહેવા દો…હું કયાં તમને આડી આવું છું?તમારે જ્યાં જવું હોય ત્યાં જાવ…..” અને માયાબેન ઘણું બબડતા રહ્યા.
અલય અને ઇશાની તો સ્તબ્ધ થઇ ગયા.શું કરવું હવે?મમ્મી જાણે એક કોચલા માં પૂરાઇ ગઇ હતી.બહાર નીકળવા જ નહોતી માગતી.”ઇશાની ,મને તો સમજાતું જ નથી….મમ્મી નો સ્વભાવ આમ અચાનક કેમ બદલાઇ ગયો?આ જાણે પહેલાની પ્રેમાળ મમ્મી જ નથી….ઇશાની,કંઇક વિચાર ને..તેં તો સાયકોલોજી માં એમ.એ. કર્યું છે ને?હું તો મૂંઝાઇ ગયો છું.”
ઇશાની મનોમન વિચારી રહી.અલયે મમ્મી વિષે કહેલી બધી વાતો તે યાદ કરી રહી.અને અચાનક જાણે તેને કંઇક સૂઝી આવ્યું હોય તેમ તે ખુશ થઇ ગઇ.તેણે અલય ને “કંઇક” કહ્યું.
બીજે દિવસે સવારે ઇશાની એ રોજ ની જેમ ચા બનાવી..એક કપ અલય ને અને એક કપ માયાબેન ને આપ્યો.માયાબેન મૂંગામૂંગા પી ગયા.પણ અલયે ચા નો એક ઘૂંટડો ભરી મોઢું બગાડયું.
મમ્મી,તારી ચા કેવી સરસ બનતી!!ઇશાની ની ચા માં કંઇ મજા નથી આવતી.આજે તો તું પહેલા બનાવતી એવી ફક્કડ ચા બનાવી આપે તો મજા આવે.મને થાય કે મમ્મી ને ક્યાં હેરાન કરવી?એટલે આટલા વખત થી તો ચલાવ્યું.અને સાચું કહું મમ્મી?જમવામાં યે જાણે તારી રસોઇ વિના જમવાની મજા જ નથી આવતી.તને તો ખબર છે ,મમ્મી,તારા અલય ને તારા સિવાય બીજા કોઇ ની રસોઇ ગળે નથી ઉતરતી.આજે તો મમ્મી.પ્લીઝ, દાળ-શાક તો તું જ બનાવજે હોં.તને તકલીફ તો નહી પડે ને?”
માયાબેન ના ફિક્કા મોં પર જાણે થોડું તેજ આવ્યું.ઓહ!! મેં મૂરખી એ કેમ ધ્યાન ન રાખ્યુ?અલય તો મારા માટે થઇ ને ન બોલે..ને બિચારો બધું ચલાવી લે….ને હું તો માની બેઠી કે હવે એને મારી જરૂર જ ક્યાં છે……?”
તે હજુ આગળ વિચારે તે પહેલા જ ઇશાની મલકી ને બોલી ઉઠી,” હા,મમ્મી,એ તો રોજ કહેતા હતા કે મમ્મી જેવી રસોઇ બનાવવાનું તારું કામ નહીં.મમ્મી,મને શીખડાવશો ને?”
અને માયા બેન તેજ માં આવી ગયા.”ચાલ,પહેલા અલય માટે સરસ ચા બનાવી દઉં…પછી બીજી વાત.” કહેતા તે સ્ફૂર્તિ થી રસોડા માં દોડી ગયા.
અલય અને ઇશાની એક્બીજા સામે જોઇ મલકાઇ ઉઠયા.ઇશાની ની થોડી સમજણે મમ્મી ને દોડતા કરી દીધા હતા.રસોઇમાં પણ તે દિવસે ઇશાની જાણી જોઇ ને ભૂલો કરતી રહી..ને અલય ની પસંદગી વિષે પૂછતી રહી.તે દિવસે માયાબેને જ દાળ –શાક બનાવ્યા.ને અલયે હોંશેહોંશે વખાણ કરતા કરતા ખાધા.ને કહ્યું યે ખરું”મમ્મી,એક ટાઇમ તો તારે થોડું કરવું પડશે હોં.જોતી નથી …આ થોડા સમય માં તારો અલય ..તારા હાથ નું ખાધા વિના કેવો સોરાઇ ગયો છે!!!” …અને મા ને કદી દીકરો જાડો લાગ્યો છે?
અને …અને થોડા દિવસ માં તો માયાબેન પાછા હતા એવા જ સ્નેહાળ થઇ ગયા.અને એક વરસ પછી નાનકડા “અર્ચન” ના આગમને તો માયાબેન અલય ને પણ ભૂલી ગયા.જનેતા તો ઇશાની બની ,પણ “મા” તો જાણે માયાબેન જ બન્યા.અને એક સુંદર સંસાર ખીલી ઉઠયો.જિંદગી જીવંત થઇ ગઇ.ઇશાનીની સાયકોલોજીએ કે પછી થોડી સમજણે રંગ રાખી દીધો.
નીલમ દોશી.
બહુ જ સુંદર અને પ્રેમાળ વાતો. જીવન ની સુંદર સાયકોલોજી !!!
Very true. A typical, dedicated housewife and widow’s psychology.
I READ THIS.
VERY MOVING.
A STORY OF A LOST LOVE AND LIVING AS A SINGLE PARENT.
YOU ARE A GOOD STORY TELLER.
KEEP WRITTING LIKE THIS FOR YEARS TO COME.
R.M.TRIVEDI,M.D.
BPPA,INC and CCA AND PAIN CENTER
hearty congratulation……..What a perfact understanding of a daughter inlaw!!!!!!!!!must say not daughter inlaw but daughter!!!!!!!!!!!!!!1