
અરે,માનસી,આ શું કરે છે?મારા કપડા બેગમાંથી પાછા કેમ કાઢે છે?
નહીં..બા,તમારે કયાંય જવાનું નથી….’ ’
અરે પણ…….’ ’પણ ને બણ…….સો વાતની એક વાત!! તમારે અહીંથી કયારેય કયાંય જવાનું નથી…બરાબરને ચિંતન?’
હા,બા, હું તમને કયાંય નહીં જવા દઉં…કયારેય નહીં…..’
ખુશખુશાલ ચિંતન તો દાદીમા ને વળગી પડયો.
આશાબહેન ને કંઇ સમજાયું નહીંપણ…માનસીની આંખમાં…અવાજમાં…તેમણે એક નવીજ ચમક જોઇ…અનુભવી.જોકે સમજી તો પૂરુ ન શકયા..પણ…જે અનુભવી શકયા તે સારું જ લાગ્યું…તેથી વધારે દલીલ ન કરી.
આમેય એક ના એક દીકરા કે નાનકડા પૌત્રથી દૂર જવાનું મન તો અંદરથી પોતાને યે કયાં હતું? આ તો રોજ ના કંકાસથી કંટાળી..દીકરો વહુ શાંતિથી…ખુશીથી..રહી શકે તે માટે પોતે સામેથી વતનમાં…પોતાના ઘરમાં જવાની …કાયમ રહેવાની વાત કરી હતી..જે વહુએ ખુશીથી અને દીકરાએ લાચારીથી સ્વીકારી હતી.બાકી કૃષ્ન કનૈયા જેવા નાનકડા…વહાલસોયા ચિંતન ને છોડી ને જતા પોતાનો જીવ કેટલો કચવાતો હતો ..તે તો પોતે જ જાણતા હતા.
પણ અચાનક માનસી ને આ થયું શું?તે વિચારી રહ્યા. પણ હજુ આગળ વિચારે તે પહેલાં જ ચિંતન દોડતો આવ્યો.તેના હાથની ડીશમાં ગોળ પાપડી અને સેવ હતા…,
’બા,ચાલો…મોઢું ખોલો તો…’
અરે પણ….’
બા,મોઢું ખોલો…..મમ્મીએ કહ્યું છે કે તું ને બા સાથે જ ખાજો…તમે નેહીં ખાવ તો હું યે નહીં ખાઉં….મમ્મીએ જ તો કહ્યું છે,…’ચિંતને જાણે અજાણે રીપીટ કર્યું.
આશાબહેન ને માન્યામાં ન આવ્યું…કયાંથી આવે?ચિંતન તેની સામે બેસીને ખાય તો પણ માનસી ધમકાવીને તેને ત્યાંથી દૂર લઇ જતી.તેને બદલે…..
ત્યાં માનસી જ આવી ગઇ.,
’અરે,તમે બને એ હજુ ખાધું નથી?ચાલો,બા,તમે નહીં ખાવ તો આ તમારો લાડલો યે નહીં ખાય…કેમ બેટા?”
;હા,દાદી,ચાલો જોઉં…..’અને વહાલસોયા પૌત્રને હાથે મોઢામાં મૂકાયેલ એ ગોળપાપડી આશાબેન માટે અમૃતથી કમ નહોતી.અલબત્ત આનું રહસ્ય તે સમજી ન શકયા.
અને….દાદી પૌત્રના હસવાનો ખિલખિલાટ અવાજ માનસીને રસોડા સુધી સંભળાતો રહ્યો.આ આનંદથી પોતે આટલા સમય સુધી અપરિચિત કેમ રહી?માનસી મનોમન વિચારી રહી.?
અને સાંજે મંથન આવ્યો તો તેને તો જાણે વીજળીનો આંચકો જ લાગ્યો…ચિંતન..માનસી ને આશાબેન ત્રણે સાથે નાસ્તો કરતા કરતા ખડખડાટ હસતા હતાં.!!!!
તે કંઇ પૂછે તે પહેલાં જ ખુશીથી છલકાતા ચિંતને પપ્પાને વળગી ને સમાચાર આપી દીધા:
’પપ્પા,હવે બા કયાંય નથી જવાના હોં!!કયારેય નહીં જાય..પપ્પા,આજે તો મેં ને બા એ કેવી મજા કરી…..તમને ખબર છે?…..’ અને ચિંતન તો ન જાણે શું નું શું બોલતો રહ્યો…..
મંથન માનસી ની સામે જોઇ રહ્યો.એ કઇ બોલ્યા સિવાય હસી રહી.એ હાસ્યમાં મંથન ને આજે એક નવી જ મધુરતા લાગી. તેને હદ તો ત્યારે લાગી….
જયારે જમી ને રોજના રિવાજ કે આદત પ્રમાણે બા તેના રૂમ માં જતા હતા ત્યાં માનસીએ કહ્યું,
’બા,ટી,વી.માં આસ્થા ચેનલ પર તમને ગમે તેવું સરસ આવે છે…બેસો ને…
‘ના,ના,તમે તમારી સિરિયલ જે જોતા હો તે નિરાંતે જુઓ…’
ના,બા, થોડી વાર તો અહી અમારી સાથે બેસો…..’
અને ચિંતને તો બા નો હાથ પકડી પોતાની પાસે સોફામાં જાણે ગોઠવી જ દીધા. અને રાત્રે માનસીએ ચિંતનને કહ્યું….,
’બેટા,તારે બા પાસે સૂવું હતું ને?તું આજથી બા સાથે સૂજે હોં.બા ને યે એકલું નહીં લાગે….’
સાચ્ચે જ?ચાલો,બા,તમારે મને ઘણી વાર્તા કરવી પડશે હો!!’
’હા,બેટા,..
આશાબેન ને તો જાણે સ્વર્ગ ઘરમાં આવી ગયું હોય તેવું લાગ્યું.જોકે સાથે સાથે મનમાં એક ફફડાટ પણ થયો…’શું હતું આ બધું?ને કાયમ આવું જ રહેશે?આ પરિવર્તન અચાનક ક્યાંથી?કેમ?પોતાની પાસે તો એવો કોઇ દલ્લો પણ નહોતો…કે ન’તી લોટરી લાગી…જેથી માનસી અચાનક આમ બદલાઇ જાય અને…..” ખેર!! કાલે જે થાય તે ખરું…
આશાબેન આગળ વિચારી ન શકયા.કારણ આજે તો તેનો લાલો તેની પાસે હતો.તે કયાં વિચારવા દે તેમ હતો?અને દાદી –દીકરો વાર્તામા મશગૂલ બની ગયા.
અને બાજુના રૂમમાં મંથન માનસી ને પૂછતો હતો,,કેમ બા નું જવાનું કેન્સલ કર્યું? શું થયું?
પણ જવાબ આપવાને બદલે માનસી પૂછી રહી,
’કેમ તમને ન ગમ્યું?’ ’
અરે,ખૂબ ગમ્યું પણ…સમજાયું નહીં..શું થયું કહે તો ખરી….’ થાય શું? કંઇ જ નહીં….આપણે બધા ખુશ છીએ એ પૂરતું નથી?
ચિંતનને પણ બા વિના ઘરમાં ગમત નહીં….’
પણ…..’ ’પણ…કંઇ નહીં…સવાલ –જવાબ નહીં…’
માનસી એ મંથનને પૂછતો અટકાવ્યો…
આમેય તે શું જવાબ આપે?શું કહે?
માનસીના મન:ચક્ષુ સમક્ષ પોતે સવારે અચાનક સાંભળેલીચિંતન અને બા ની વાત તરવરી રહી……
સવારે પોતે બહારથી આવી ત્યાં બા ના રૂમ માંથી તેણે બા નો ને ચિંતનનો અવાજ સાંભળ્યો…અને તેમાં પોતાનો ઉલ્લેખ સાંભળી તે છાનીમાની સાંભળવા ઉભી રહી ગઇ.નક્કી બા ચિંતનને જતા જતા પોતાના વિરુધ્ધ ચડાવે છે!!!
આશાબેનને વળગીને સાત વરસનો ચિંતન રડ્તો હતો..હીબકા ભરતો હતો…,
’બા,મને તમારા વિના જરાયે નહીં ગમે..હું યે તમારી ભેગો આવીશ.હું કયારેય અહીં પાછો નહીં આવું.મને ખબર છે…મમ્મીને તમે નથી ગમતા…ને એટલે તમે જાવ છો….’
’ના,બેટા,એવું નથી..મમ્મી તો બહું સારી છે.પણ….’
રૂન્ધાયેલ અવાજે આશાબેન આગળ કદાચ કંઇ બોલી ન શકયા.
“ના,મમ્મી સારી નથી.તમારા પર ખીજાય છે.ને હું તમને મારા નાસ્તામાંથી ખવડાવવા આવું ને ત્યારે મને યે ખીજાય છે….’
ચિંતને અનુભવવાણી ઉચ્ચારી..
‘ના,બેટા,મમ્મી માટે એવું ન બોલાય..એ તો મારી તબિયત સારી નથી રહેતી ને…એટલે મમ્મી ના પાડે છે…..’
આશાબેન સમજાવતા રહ્યા.
’ના,મને બધી યે ખબર છે…હું માંદો હતો…તો મમ્મી મારું કેટલું ધ્યાન રાખતી હતી!!હું તો જોજો ને કોઇને ખબર પણ ન પડે એમ છાનોમાનો ગાડીમાં બેસીને તમારી પાસે આવતો રહેવાનો…..ને રોજ નવી વાર્તા સાંભળવાનો…..’ ’
બેટા,તારા વિના તારી મમ્મી ને ન ગમે..એવું ન કરાય.મમ્મી રડે એવું કરીએ તો પાપ લાગે….’ ’
તો મમ્મીને પાપ નથી લાગતું?તમે યે રડો તો છો જ!!તમેયે મારા પપ્પાની મમ્મી જ છો ને?તમે નહોતા કહેતા કે તારા પપ્પા મારો દીકરો છે!!!તમને યે તમારા દીકરા વિના ન ગમે ને? ’
ચિંતને તર્કયુકત દલીલ કરી..ને ચિંતન તો આગળ કેટલું યે બોલતો રહ્યો…..
માનસી આગળ સાંભળી ન શકી તેની આંખમાં પાણી આવી ગયા…પોતાના વહાલસોયા નાનકડા દીકરાના મન ઉપર પોતાની આવી છાપ હતી!!!
પોતે આટલી ખરાબ છે!!!તે રડતા રડતા વિચારી રહી…. મૂળથી તો પોતે કયાં ખરાબ હતી?લગ્ન થવાના હતા ત્યારે મમ્મીએ અને ઘણાં બધાએ તેને શિખામણ(???)આપી હતી..કે,’જો પહેલેથી જ ધ્યાન રાખજે.સાસુને માથે ચડવા ન દેતી..નહીંતર તારા સાસુ તો છે જબરા….દબાઇ ન જતી……….’
અને મનમાં રોપાયેલ એ ગ્રંથિ ક્યારે મજબૂત બનતી ગઇ…અને એ પૂર્વગ્રહના પડઘા…તેના વર્તનમાં….તેની વાણીમાં પડતા ગયા તેની તેને યે ખબર ન રહી…તે તો ખુશ હતી..કે હવે ઘરમાં પોતાનું રાજ ચાલે છે..સાસુ તો કયાંય ફેંકાઇ ગયા હતા…..બિચારા……!!!!
પણ….પણ…આજે નાનકડા દીકરાના શબ્દો તેના મનમાં સોંસરવા ઉતરી ગયા….
સાસુ નહોતા ફેંકાઇ ગયા…ફેંકાઇ તો પોતે ગઇ હતી!!!
બિચારી તો પોતે બની ગઇ હતી!!!
નાના છોકારાની નજરમાંથી સુધ્ધાં ઉતરી ગઇ હતી!!!
શું જવાબ આપે તે મંથન ને?…ચિંતનને?સાસુની આંખના પ્રશ્ન ને?
જવાબ તો તેણે પોતાની જાતને આપવાનો હતો…
અને હવે તે સાચો જ જવાબ આપશે…. અને સંતોષનું સ્મિત તેના મુખને વધું સુંદર બનાવી રહ્યું……
નીલમ દોશી.
(અખંડ આનંદ 2006 સપ્ટે.ના અંકમાં છપાયેલ મારી વાર્તા)