શિવમ હવે તો બીજા ધોરણમાંભણતોહતો.એકદિવસઅચાનક સ્કૂલેથી આવી ને કહે”મમ્મી,આજથી મને રોજ દૂધ પીવા આપજે હોં.તું તો મને કોઇ ‘દિ દૂધ આપતી જ નથી!!મારા ટીચર કહે છે કે રોજ તમારે બધાએ સવારે ને રાતે દૂધ પીવું જોઇએ.તો જ હાડકા મજબૂત બને.બોલ,મમ્મી,તું આપીશને દૂધ?”શિવાની શું જવાબ આપે?જમવા માંડ બે ટાઇમ મળતું હતું.ત્યાં દૂધ….???દૂધ સારું એ તો પોતાને યે ક્યાં ખબર નહોતી?ને પોતાના બાળક ને દૂધ પીવડાવવાની હોંશ કયા મા –બાપ ને ન હોય?પણ….રે ગરીબી….આ મજબૂરી તે આ બાળકને કેમ સમજાવે?ભણાવવાનો ખર્ચો કેમ કાઢતા હતા..તે તો એનું મન જાણતું હતું!!ત્યાં દૂધ?
ત્યાં શિવમ બોલ્યો,”મમ્મી,હું તો દૂધ પીવામાં જરાયે માથાકૂટ નહીં કરું.મારો ભાઇબંધ શોભિત છે ને..તે તો કહેતો હતો કે..મારી મમ્મી રોજ મને પરાણે દૂધ આપે..પણ મને જરાયે ભાવે નહીંએટલે હું તો મમ્મીનું ધ્યાન ન હોય ને ત્યારે બધું ઢોળી નાખું…,પણ મમ્મી,હું એવું નહીં કરું હો!મને તો દૂધ બહુ ભાવે છે.એકવાર તેના ઘેર ગયો’તો..ત્યાં મેં પીધું હતું!મમ્મી,કાલથી તું મને દૂધ આપજે હો!”શિવાની આંસુભરી આંખે પુત્રને જોઇ રહી.અને પુત્ર દૂધ પીવાના ફાયદા અને દૂધ શા માટે સંપૂર્ણ ખોરાક છે….તે પ્રશ્નનો જવાબ મોટેથી ગોખતો હતો!!!!
નીલમ દોશી.
