નવરાત્રિના પડઘમ સંભળાતા હતા ..ત્યારે હતું કે કોલકત્તાની દુર્ગાપુજાની ઝાંખી કરાવીશ.પણ હમણાં પાંચ દિવસો સુધી ચાલેલ સાઇકલોને આ તહેવારની રંગત થોડી ઝાંખી કરી દીધી છે.વાવાઝોડાની સૌથી વધારે અસર ગરીબ ,ફૂટપાથ પર જીવતા ,રોજ નું કમાઇને રોજ ખાતા લોકો પર સૌથી વધારે થાય તે સ્વાભાવિક જ છે ને?એટલે અત્યારે તો અહીં જીવવાનો….ટકી જવાનો સંઘર્ષ ચાલે છે.છતાં બંગાળી લોકો એમ કંઇ જલ્દી હાર માને તેમ નથી જ.એટલે મા દુર્ગાની પ્રતિષ્ઠા તો ષષ્ઠી થી એટલે કે છઠ્ઠા નોરતાથી થશે જ.અત્યારે તો પહેલાં એની થોડી વાર્તા જોઇશું?જે જોકે બધા ને જ ખબર હોય તે સ્વાભાવિક છે.છતાં શરૂ કરતા પહેલા એક નજર નાખી લેશું?
મહિષાસુર નામના એક રાક્ષસે પોતાના સામર્થ્ય ના જોરે બધા દેવો અને મનુષ્યોને “ત્રાહિમામ” કરી દીધા હતા.હિંમત હારી ગયેલ દેવોએ બ્રહ્ભા,વિષ્ણુ અને મહેશની આરાધના કરી.દેવોની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલ ભગવાન મહિષાસુર પર ક્રોધે ભરાયા.અને તેમના પુણ્ય પ્રકોપમાંથી એક દૈવી શક્તિ નિર્માણ થઇ.આ દૈવી શક્તિએ નવ દિવસના અવિરત યુધ્ધ પછી મહિષાસુરને હણ્યો.આસુરી વ્રુતિને ડામી દૈવી વ્રુતિની સ્થાપના કરી.આ દૈવી શક્તિ તે જ આપણી જગદંબા…અંબા કે દુર્ગા!!.આમ આ દિવસોમાં મા ની આરાધના કરી મા પાસે શક્તિ માગી આસુરી વ્રુતિઓ પર વિજય મેળવવાનો તહેવાર.
આજે પણ દરેક માનવના મનમાં ઓછેવત્તે અંશે રાક્ષસ મહિષાસુર સંતાયેલ છે જ.અને તેની અંદર રહેલી દૈવી વ્રુતિને ગૂંગળાવી દે છે.આ મહિષાસુરની ની માયા ને ઓળખવા અને તેમાંથી મુકત થવાના,શક્તિની ઉપાસના કરવાના દિવસો એટલે નવરાત્રિ.નવ દિવસ અખંડ દીપ પ્રગટાવી મા દુર્ગાની પુજા કરી શક્તિ ને સામર્થ્ય મેળવવાની તક આ તહેવાર આપે છે.
આ તહેવાર ના આવતા પહેલાં જ એક મહિના અગાઉથી તેનો ઉત્સાહ લોકોમાં છલકવા લાગે છે.ચારેતરફ આનંદનું વાતાવરણ છવાઇ જાય છે.પોતપોતાને શક્તિ અને રૂચિ મુજબ ખરીદી નો દોર ચાલુ થાય છે.બજારો અવનવી વસ્તુઓથી અને લોકોથી ઉભરાય છે.જુદાજુદા પંડાલ ની તૈયારીઓ જોરશોરથી ચાલુ થઇ જાય છે.અહીં ગરબાનો વૈભવ નથી.પણ જુદી જુદી થીમ લઇ તે મુજબ બનતા પંડાલો ફકત અહીં બંગાળમાં જ જોવા મળે.એની વાત પછી કરીશું.
મા દુર્ગાની અવનવી પ્રતિમાઓ બનાવવા કારીગરો રાત દિવસ એક કરી રહે છે.મા દુર્ગાના શણગારની તો વાત જ ન પૂછો!અવનવા વસ્ત્રોથી અને શણગારોથી મા ની પ્રતિમા શોભી ઉઠે છે અને માનવની શ્રધ્ધા તે પ્રતિમામાં પ્રાણ પૂરી તેને જીવંત બનાવે છે. ચારેતરફ ભક્તિ,આનંદ,ઉલ્લાસ નું વાતાવરણ ધબકી રહે છે.રોશનીથી શહેર ઝગમગી ઉઠે છે.આબાલ વ્રુધ્ધ,બાળકો સ્ત્રીઓ..દરેક ઉત્સાહથી ઝૂમી ઉઠે છે.ચારેતરફ માનવ મહેરામણ ઉમટે છે.રાત્રિ જાણે દિવસમાં પરિવર્તન પામી હોય તેમ પ્રકાશિત બની રહે છે.વરસાદથી સંતપ્ત થયેલ લીલી ચૂંદડી ઓઢેલ ધરતીનું રૂપ આમેય આ રૂતુમાં નીખર્યું હોય છે જ .એમાં આ નવરાત્રિનો રંગ એને જાણે ચાર ચાંદ લગાવી દે છે.પરંપરાગત પૂજા,અર્ચના,ભોગ,આરતી,ધૂપ,દીપ થી વાતાવરણ સાત્વિક બની રહે છે.
ક્રમશ:
નીલમ દોશી.