વ્યક્તિના પહેરવેશ પરથી ઘણીવાર આપણે તેના વ્યક્તિત્વ વિષે અનુમાન કરતા હોઇએ છીએ.પણ દરેક વખતે તે સાચું જ હોય તે જરૂરી નથી.થોડા સમય પહેલાં આવો જ એક અનુભવ થયો.
ઓખાથી બોમ્બે જતા સૌરાષ્ટ્ર મેઇલમાં હું મુસાફરી કરી રહી હતી.મારી સામેની બર્થમાંએક 20કે 21 વરસની અલ્લડ દેખાતી છોકરી બેઠી હતી.21મી સદીની બિન્દાસ..મોડર્ન…જીન્સાને સ્લીવલેસ ટોપ..ઉંચી હીલ ના સેન્ડલ.મોબાઇલ,ગોગલ્સ,ખુબ સુંદર પર્સ…અને દેખાવે પણ ખૂબ સરસ હતી.સ્ટેશને તેને મૂકવા કોઇ છોકરો આવેલ..જે તેનો મિત્ર હોવાનું જણાઇ આવતું હતું બનેં અંગ્રેજીમાં હસી મજાક કરતા હતા.હું મનમાં વિચારતી હતી ..કેટલી બિન્દાસ છે આ નવી પેઢી!!!
ત્યાં દ્વારકાથી એક આખો યાત્રાનો સંઘ ..લગભગ 30 થી 35જણાં જેમાંના લગભગ બધા મોટી ઉમરના હતા.પહેલા બે-ચાર માજી ચડયા.અને પછી સામાનની વણઝાર!નીચેથી કોઇ સામાન આપતું જતુ હતું .પણ આ સ્ત્રીઓ જલ્દીથી અંદર લઇ શકતી નહોતી.ત્યાં પેલી અલ્લડ લાગતી છોકરી ઉભી થઇ ને માજી ને તેમની જગ્યાએ બેસાડી પોતે ફટાફટ બધો સામાન લેવા માંડી.ધીમે ધીમે બધા ચડી ગયા.પેલી છોકરી તો બધાનો સામાન ઉંચકી ઉંચકીને અંદર જયાં તેમની જગ્યા હતી ત્યાં મૂકી આવી.ને બધું ગોઠવી પાછી પોતાની જગ્યાએ બેસી ગઇ.
પછી તો અમારા બનેની ઓળખાણ થઇ ને વાતો ચાલી.મેં તેને પૂછયું,”આટલો બધો સામાન ઉંચકી ને થાકી નથી ગઇ?”તેણે હસીને જવાબ આપ્યો,”ના,આન્ટી,હું તો યંગ છું..એમાં થાકી શું જવાય?મારા મમ્મી પપ્પા હોત તો હું ન કરત?હું કયાં એમાં ઘસાઇ ગઇ? ઉલ્ટુ થોડી એક્ષરસાઇઝ થઇ ગઇ.”
અને આખે રસ્તે તેના હેલ્પીંગ અને હસમુખા સ્વભાવ નો પરિચય થતો રહ્યો.તેની વાતો અને વર્તનમાં જીવનથી છલકાતું સભર વ્યક્તિત્વ દેખાતું હતું.મને થયું..નવી પેઢીના પોષાક પરથી તેના વિષે અનુમાન બાંધી લેવું કેટલું ખોટું છે!!આપણે ધારીએ છીએ તેવી છીછરી નવી પેઢી નથી જ.સાચી દિશા મળે તો આ જનરેશન ઘણું કરી શકે.
નીલમ દોશી.
અહો આશ્વચર્યમ્