પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આ ચોરી કહેવાય? July 30, 2006

Filed under: સ્વરચિત કૃતિઓ — nilam doshi @ 2:58 pm

આ ચોરી કહેવાય? મંગુ, લે, આ દૂધ ને બિસ્કિટ…લ્યુસી ને બરાબર ખવડાવજે હોં.!હમણાં લ્યુસી યે પાછીબહુ નખરા કરતા શીખી ગઇ છે.મને તો તેની ચિંતા થાય છે.કહેતા શેઠાણી બહાર ગયા.લ્યુસી શેઠાણી ની માનીતી કૂતરી હતી.મંગુ ચૂપચાપ કૂતરી ને દૂધ પીવડાવવા ગઇ.લ્યુસી એ બિસ્કિટ તો ખાધા પણ પેટ ભરેલું હોય કે ગમે તેમ આજે  દૂધ તેને પસંદ ન આવ્યું.મંગુએ પીવડાવવાની ઘણી કોશિષ કરી..પણ લ્યુસી એ ન જ પીધુ.હવે શું કરવું?લ્યુસી ને તે નથી પીવડાવી શકી એમ કહે તો?તો શેઠાણી નો પારો કેવો ચડે છે એ તે અનુભવી ચૂકી હતી. ત્યાં મંગુ નો 5 વરસ નો દીકરો ત્યાં આવ્યો.મા ના હાથ માં દૂધ જોઇ બાળકને દૂધ પીવા નું મન થઇ ગયું.આમ તો ઘર માં દૂધ તેને જોવા યે ક્યાં મળતુ હતું?મા., મને દૂધ દે ને…મને યે દૂધ પીવું છે,,,મા,દે ને…બાળક કરગરી ઉઠયો.મંગુ નું માત્રુહ્રદય કકળી ઉઠયું.લ્યુસી આમેય દૂધ નહોતી પીતી.કયારેય કંઇ ખોટુ ન કરનારી,પ્રામાણિક  મંગુ દીકરા ને રડતો આજે  ન જોઇ શકી,તે મંગુ મટી મા બની ગઇ.જે થવું હોય તે થાય ..આમેય દૂધ ફેંકવાનું જ હતું.તે જલ્દી જલ્દી પોતાના બાળક ને દૂધ પીવડાવવા લાગી.હજુ તો બાળકે એક ઘૂંટડો ભર્યો હતો…ત્યાં…પાછળથી અચાનક આવેલ શેઠાણી ની એક ઝાપટ પડી…ને દૂધ બધું ઢોળાઇ ગયું.ને શેઠાણી ગુસ્સે થઇ શોર મચાવી ઉઠયા.મારી લ્યુસી નું દૂધ તારા આ ગંધારા છોકરા ને પીવડાવે છે?આવી ચોરી કરે છે?મંગુ તેની ચોરી માટે મૂંગા મૂંગા માફી માગી રહી.                                                                   નીલમ દોશી

 

સ્વાગત ! July 30, 2006

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 11:45 am

સુખ,દુ:ખ ,આશા,નિરાશા…આંસુ-સ્મિત રમૂજ કે ચિંતા…વ્યથા કે વલોપાત,આનંદ નો અવસર હોય કે શોક નો પ્રસંગ….માણસને …પોતાની પાસે જે કંઇક પણ છે …કે જે પોતાને ગમે છે ….તે બીજા ને કહેવાની …વહેંચવાની માનવસહજ વ્રુત્તિ દરેક મનુષ્ય માં ઓછે વત્તે અંશે હોય જ છે.

ફાધર વાલેસે આ માટે તેના એક પુસ્તક માં સરસ ઉદાહરણ આપ્યું છે.તે અહીં ટાંકવાનો લોભ જાગે છે.

“એક વૈજ્ઞાનિક નવલકથાનો નાયક માનવજાતથી રીસાઇને પૃથ્વી પર કદી પાછા ન આવવાની પ્રતિજ્ઞા લઇ પોતાના અવકાશ યાન માં એકલો એકલો બ્રહ્માંડ ની અનંત યાત્રાએ ઉપડે છે.ત્યારે આકાશ ની અદભૂત શોભા નું દર્શન થતા એ બબડે છે:’ આ સૌન્દર્ય ની વાત હવે હું કોને કરું?’ ..અને ધીરેથી અવકાશયાન ફેરવીને માનવજાત ની ગોદ માં પાછો આવી જાય છે.”

આમ ગમે તેટલો અંતર્મુખી (introvert) માણસ પણ કયાંક તો પોતાનું હૃદય ઠાલવે જ છે. માણસ ને માણસ વિના ચાલતું નથી..ને ચાલવું પણ ન જોઇએ.

અહીં મારો હેતુ પણ ફકત એટલો જ છે…જે મને ગમ્યુ છે…તે બીજા લોકો સાથે share કરું. મને જે ગમ્યું છે તે બધા ને ગમે જ તે જરૂરી નથી જ. પણ જેને પણ ગમે તે માણી શકે …અને આદાન –પ્રદાન ની પ્રક્રિયા આગળ વધી શકે. અને દરેક માણસ ને એક અપેક્ષા જરૂર હોય જ છે “કોઇ મને ચાહે ને સમજે” આ માનવસહજ અપેક્ષા છે.

પ્રેમ આપવાની ને પ્રેમ મેળવવાની અનંત ઝંખના દરેક માનવ ની અંદર એક યા બીજી રીતે હોય જ છે.કોઇ પોતાની લાગણી શબ્દો માં વ્યકત કરી શકે છે, તો કોઇ નથી કરી શકતા…એ અલગ વાત છે.બાકી સાચી લાગણી જેને મળી છે, એ નશીબદાર છે જ એવા નશીબદાર બનવાની ઇચ્છા કોને ન હોય?

આ બ્લોગ ખાસ કરી ને સમસ્ત વિશ્વ ની દીકરીઓ ને સમર્પિત કરતા મને આનંદ થાય છે. કદાચ દીકરી માટે હું પહેલેથી જ થોડી પક્ષપાતી રહી છું.(પણ દરેક દીકરી ના મા માટે આ સાચું નથી?) અને દરેક સ્ત્રી…કોઇ ની ને કોઇ ની દીકરી તો હોય જ છે ને?”મા” બની ને એ દીકરી મટી નથી જતી.અને સ્ત્રી….સંસ્કૃત શબ્દ સ્ત્રુ માંથી આવ્યો છે. સ્ત્રુ એટલે વિસ્તરવું…..જે વિસ્તરે છે તે સ્ત્રી…છોકરી કે છોકરો બંને ની જન્મદાતા સ્ત્રી જ છે. એટલે કોઇ પણ છોકરા…પુરૂષ નો પહેલો સંબંધ …પહેલો પરિચય તો સ્ત્રી સાથે જ ને? આંખ પણ ઉઘાડયા પહેલાનો પરિચય…સ્ત્રી.

એટલે દીકરી કહી એમાં બીજી રીતે જોઇએ તો સમસ્ત વિશ્વ આવી ગયું ને ?

બસ…આટલું જ……આશા છે આપ સૌનો સહકાર,પ્રેમ મળશે.

અસ્તુ
નીલમ દોશી.